વાપી : વાપીમાં રહેતા ઉમર ફારૂક નામના મુસ્લિમ બિરાદરે તેમના ઘરે જ બકરી ઇદની કુરબાની માટે 132 કિલોનો બકરો તૈયાર કર્યો છે. ઉંમર ફારૂક નો પરિવાર વર્ષોથી આ રીતે પોતાના ઘરે જ સારી નસલના બકરા પાળે છે. તેઓને બકરા પાળવાનો શોખ છે. હાલમાં તેમની પાસે હિમાચલના વિલાયતી ઘેટાં સહિત રાજસ્થાન, પંજાબ, ગુજરાતના સારી નસલના 25 ઘેટાં-બકરા છે. જ્યારે બકરી ઇદની કુરબાની માટે કુલ 8 બકરાને જાતે જ પાળીને મોટા કર્યા છે.
દેખાવે તગડો લાગતો આ બકરો વાપીના ઉંમરફારૂક નામના મુસ્લિમ પરિવારનો છે. જેનું વજન 132 કિલો છે. જેને ખાસ કુરબાની માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઇદ માં અપાતી કુરબાની અને તે માટે પોતાના બાળકની જેમ બકરાને મોટો કરવા અંગે ઉમરફારૂકે જણાવ્યું હતું કે, જેમાં પોતાનાપણા નો ભાવ હોય જેની કુરબાની હંમેશા દિલમાં રહી જાય એ જ સાચી કુરબાની છે. એટલે તેમનો પરિવાર વર્ષોથી આ રીતે પોતાના ઘરે જ બકરાને દીકરાની જેમ પાળી ને મોટો કરે છે. આ વર્ષે કુરબાની માટે તેઓએ રાજસ્થાનના ગુર્જરી નસલના સૌજતને અને પંજાબી નસલના બકરા ઉપરાંત મેન્ઢાને પસંદ કર્યો છે.
ઉમરફારૂક અને તેમનો પરિવાર દર વર્ષે રાજસ્થાનના મેવાડ અને પંજાબથી કે ગુજરાતમાંથી કુરબાની માટે ખાસ બકરા લાવે છે. 6મહિના આસપાસના આ બકરાઓને તે પોતાના ઘરે જ પાળે છે . આ બકરાને પણ દોઢ વર્ષથી તેના દીકરાની જેમ માવજત કરી ઉંચી નસલનો બનાવ્યો છે. દરરોજ તેને ખાવા માટે અઢી કેરેટ વડના પાન આપવામાં આવે છે. એ ઉપરાંત દોઢ કિલો જેટલા ઘઉં અને કેલ્શિયમયુક્ત દૂધ પીવડાવાય છે. બકરો જાણે પરિવારનો એક સભ્ય હોય તે રીતે ચારેય ભાઈઓ અને તેના બાળકો તેની દેખભાળ કરે છે .
વધુમાં ઉમર ફારૂકે જણાવ્યું હતું કે ઇદ નિમિતે તેની કુરબાની આપવામાં આવશે. ત્યારે આ દિવસ દુઃખનો દિવસ હશે. કેમ કે આ બકરા સાથે લાગણીના સંબંધો બંધાયા છે, કુરબાનીનો મતલબ જ એ છે કે જેમાં તમે કોઈ તમારા પોતાનાની કુરબાની આપી હોય તેવો ભાવ કાયમ યાદ રૂપે મનમાં વસી જાય. તેઓ માને છે કે દરેક પરિવારે એક-બે બકરા પાળવા જોઈએ કેમ કે તેનાથી બરકત આવે છે. અને આ સ્નેહના સંબંધો સમાજમાં ભાઈ-ચારો કાયમ રાખવાનો સંદેશ આપે છે.
ઉલ્લેખનીય છે કે ઉમરફારૂક અને તેનો પરિવાર બકરા પાળવાના શોખીન છે. તેઓ પાસે આવા 25 જેટલા બકરા છે. જેને પોતાના ફાર્મમાં જ રાખીને પાળી રહ્યા છે. અને ક્યારેય તેનું વેંચાણ કરતા નથી. આ વખતની કુરબાની માટે તેમની પાસે 8 બકરા છે. એ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં જોવા મળતા ઘેટાં ને પણ તેમણે તેમની પાસે રાખ્યું છે. તમામ ઘેટાં બકરાને ઉત્તમ ચારો આપવા ઉપરાંત દર મહિને વેકસીન આપવામાં આવે છે જેથી તેને કોઈ વાયરલ બીમારી લાગે નહિ.