દમણના દુણેઠા ગેટ નજીક આવેલી રાધા માધવ રેસિડેન્સીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા પરાગ પ્રકાશ પાટીલનો 13 વર્ષીય પુત્ર ગઈ કાલે બપોર બાદ અચાનક ગૂમ થઇ ગયો હતો, જેને દમણ પોલીસે ગણતરીની કલાકોમાં શોધી કાઢી માતાપિતા ને સુપ્રત કર્યો હતો.
ઘટના અંગે મળતી વિગતો મુજબ પરાગભાઈની પત્નીએ પરાગભાઈને ફોન પર તેમનો પુત્ર ગૂમ થઇ હોવાની જાણ કરતા પરાગભાઇ તાત્કાલિક ઘરે પહોંચીને પોતાના બાળકને શોધવાના કામે લાગી ગયા હતા, પરંતુ સાંજે સાત વાગ્યા સુધી પણ પુત્રનો કોઈ અતોપતો ના લાગતા આખરે પરાગભાઇ અને તેમની પત્નીએ મોડું થાય એ પહેલા દમણ પોલીસ સ્ટેશનમાં તેનો પુત્ર ગૂમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી,
જે બાદ હરકતમાં આવેલી દમણ પોલીસે તાત્કાલિક એક ટીમ બનાવીને બાળકની શોધખોળ શરુ કરી દીધી હતી, પોલીસે બાળકનું પગેરું મેળવવા સૌપ્રથમ સોસાયટીના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં કિશોર સોસાયટીમાંથી નીકળીને કોલેજ રોડ તરફ સ્વામીવિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર જતો જોવા મળ્યો હતો,
જે બાદ પોલીસની ટીમ ક્રિકેટ ગ્રાઉન્ડ તરફના તમામ વિસ્તારમાં તપાસ હાથ ધરીને બાળકને હેમખેમ શોધીને તેનું જરૂરી કાઉન્સેલિંગ કરીને બાળકને તેના વાલીને સુપ્રત કર્યો હતો, ગણતરીના કલાકોમાં પોતાનો પુત્ર સહી સલામત મળી આવતા બાળકના માતા પિતાએ દમણ પોલીસની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો