Friday, January 31News That Matters

વાપીમાં ચેક રીટર્ન કેસમાં વેદ ઇન્ફાસ્પેસ પેઢીના ભાગીદારને 1 વર્ષની સજા અને ચેકની બમણી રકમ ચૂકવવા વાપી કોર્ટનો હુકમ….!

વાપી કોર્ટ દ્વારા હાલમાં જ અલગ અલગ કેસમાં ધાક બેસાડતા ચુકાદાઓ આપવામાં આવ્યા છે. આવા જ એક કેસ અનુસંધાને વાપી કોર્ટના 4થા જ્યૂડીશયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ વસુધા ત્યાગી દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં વેદ ઇન્ફાસ્પેસ ભાગીદારી પેઢીના ભાગીદાર હેમંત રમણ પટેલને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદ અને ચેકની કુલ રકમ 61,534 ની સામે બે ગણા એટલે કે, 1,23,068 રૂપિયા ચૂકવવાનો હુકમ કરતો ચુકાદો આપ્યો છે.

આ કેસની વિગત એવી છે કે, વાપીમાં રહેતા અને ન્યુ આઝાદ રોલિંગ શટર ના નામે રોલિંગ શટર બનાવી આપવાનો વેપાર કરતા મોહમદ અલી મોહમદ હનીફ કપૂર પાસે વેદ ઇન્ફાસ્પેસ નામની ભાગીદારી પેઢીના મહેશ કેશવજી ભાનુશાલી અને હેમંત રમણ પટેલે તેમના બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કામમાં શટર બનાવી આપવાનો ઓર્ડર આપ્યો હતો. જે શટર નું કુલ 6,01,215 રૂપિયાનું બિલ ચૂકવવા બિલ આપ્યું હતું.

શટરના કુલ બિલની રકમ પૈકી વેદ ઇન્ફાસ્પેસ પેઢીના ભાગીદારોએ ન્યુ આઝાદ રોલિંગ શટર ના મોહમદ અલી મોહમદ હનીફ કપૂરને અલગ અલગ તારીખે 4,23,585 રૂપિયા ચૂકવ્યા હતાં. જ્યારે બાકી નીકળતી કુલ રકમ 1,77,630 રૂપિયાની માંગણી કરતા વેદ ઇન્ફાસ્પેસ પેઢીના ભાગીદારોએ ICICI બેન્કનો 61,534 રૂપિયાનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં વટાવવા ગયા હતાં. તે સમયે વેદ ઇન્ફાસ્પેસ પેઢીના એકાઉન્ટમાં ફંડ અનસફિશિયન્ટ હોવાના કારણે ચેક ગત 31/10/2020ના રોજ પરત થયો હતો. જે સંદર્ભે 21/11/2020ના કાનૂની નોટિસ મોકલી ચેક મુજબના નાણાં ચૂકવવા જણાવ્યું હતું. જે નોટીસનું વેદ ઇન્ફાસ્પેસ પેઢીના ભાગીદારોએ પાલન નહીં કરતા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 સાથે 141 મુજબની ફરિયાદ કરી હતી.

આ ફરિયાદ આધારે 08/09/2021ના કેસ રજીસ્ટર્ડ કરવામાં આવ્યો હતો. અને 1 વર્ષ 10 માસ 13 દિવસે તેમનો ઠરાવ જાહેર કરી ચુકાદો આપવામાં આવ્યો છે. ફરિયાદીના વકીલ આર. પી. સવજાનીની દલીલોને ધ્યાને રાખી 21/07/2023ના વાપી કોર્ટમાં 4થા જ્યૂડીશયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ વસુધા ત્યાગીએ હુકમ કર્યો છે કે, આ કેસમાં આરોપીઓ એવા મહેશ કેશવજી ભાનુશાલી અને હેમંત રમણ પટેલ પૈકી મહેશ કેશવજી ભાનુશાળીનું અવસાન થતાં તેમની સામેનું કામ એબેટ થકી પડતું મુકાયું હતું. જ્યારે વેદ ઇન્ફાસ્પેસ પેઢીના બીજા ભાગીદાર હેમંત રમણ પટેલને CRPC કલમ 255(2) અન્વયે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138, 141 મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. તેમજ CRPC ની કલમ 357(3) મુજબ ચેકની રકમથી બમણી રકમ એટલે કે, 1,23,068 રૂપિયા બે માસમાં ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો છે. તેમજ વળતર પેટની રકમ નહિ ચૂકવે તો વધુ 3 માસની સજા કરતો હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *