સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ડોકમરડી વિસ્તારમાં એક લૉ લેવલના બ્રિજ પરથી કાર સમેત તણાયેલ પિતા પુત્રના મૃતદેહ 18 કલાકે મળી આવ્યા છે. પિતા પુત્રની શોધખોળ માટે દાદરા નગર હવેલી પ્રશાસને પોલીસ, ફાયર, કોસ્ટગાર્ડ, NDRFની ટીમ સહિત સ્થાનિક તરવૈયાની મદદ લીધી હતી. જે બાદ સતત સર્ચ ઓપરેશન હાથ ધરતા સેલવાસની પીપરિયા ખાડી માંથી કાર મળી આવી હતી. જેમાં બન્ને પિતા પુત્રના મૃતદેહ પણ મળી આવતા પંથકમાં અરેરાટી ફેલાઈ હતી.
શુક્રવારે રાત્રે 7 થી 8 વાગ્યાની વચ્ચે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ડોકમરડીના વૃંદાવન સોસાયટીમાં રહેતા મુકુલ ભગત શ્રીવાસ્તવ તેમના 7 વર્ષના પુત્ર સિદ્ધુ સાથે તેમની કારમાં બેસી ડોકમરડીથી ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાતા ડોકમરડીના લો લેવલના પુલ પર પાણી ફરી વળ્યા હતા. જેમાંથી કાર પસાર કરવાનો પ્રયાસ કરતાં કાર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ હતી.
જેની જાણકારી પૂલ નજીક ઉભેલા લોકોએ સ્થાનિક પ્રશાસનને કરી હતી. પાણીમાં તણાયેલ કારમાં પિતા, પુત્ર હોય પ્રશાસને સ્થાનિક, પોલીસ, ફાયર, તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી. જો કે, તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો. જે બાદ સેલવાસ કલેકટરે ઘટનાની ગંભીરતા જોતા બીજા દિવસે NDRF અને કોસ્ટગાર્ડની ટીમને મદદ માટે બોલાવી હતી. કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરથી અને NDRF ની ટીમે બોટ મારફતે ખાડી માં અલગ અલગ સ્થળો પર તપાસ હાથ ધરી હતી. જેમાં બીજા દિવસે શનિવારે બપોરે 1 વાગ્યા આસપાસ પીપરિયા ખાડીમાં કાર મળી હતી. જેને ઉપર લાવી તેમાં ચેક કરતા કાર માં જ પિતા પુત્રના મૃતદેહ મળી આવ્યા હતાં.
આ સર્ચ ઓપરેશન અંગે સેલવાસ કલેકટર ભાનુપ્રભાએ મીડિયાને વિગતો આપી હતી કે, 21 મી જુલાઈના આઠ વાગ્યા આસપાસ કંટ્રોલરૂમમાં કોલ આવ્યો હતો કે એક નીલા કલરની કાર પાણીમાં તણાઈ ગઈ છે. જેમાં 40 વર્ષીય પુરુષ અને સાત વર્ષીય બાળક ફસાયેલા છે. તાત્કાલિક ધોરણે પ્રશાસને તેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે એક તરફ વરસાદ વરસતો હોય અને મધુબન ડેમમાંથી પાણી પણ છોડવામાં આવ્યું હોય પાણીનું સ્તર ખૂબ જ વધુ હતું. જેથી રેસ્ક્યુ ઓપરેશન સફળ થયું નહોતું.
જે બાદ શનિવારે વહેલી સવારમાં NDRFની ટીમને તેમજ કોસ્ટગાર્ડની ટીમને બોલાવવામાં આવી હતી જેમની મદદ થી શનિવારે બપોરે 1 થી 2:00 વાગ્યાની વચ્ચે પીપરીયા ખાડી નજીક કાર મળી આવી હતી. કારને દોરડા વડે બહાર કાઢી તપાસ કરતા તેમાં મુકુલ ભગત શ્રીવાસ્તવ અને સિધ્ધુ નામના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બંનેના મૃતદેહ ને હાલ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. જ્યાંથી તેમના પરિવારને સુપ્રત કરવામાં આવશે. આ સર્ચ ઓપરેશન સતત 18 કલાક સુધી ચાલ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આવા અનેક લૉ લેવલના બ્રિજ આવેલા છે. ચોમાસા દરમ્યાન આવા બ્રિજ મધુબન ડેમ માંથી છોડતા પાણીને કારણે અથવા ભારે વરસાદને કારણે ડૂબી જતાં હોય છે. ત્યારે સ્થાનિકોએ આ ઘટના બાદ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, પ્રશાસને ચોમાસા દરમ્યાન આવા ઓવર ટોપિંગ કોઝવે પર બન્ને તરફ પોલીસ બંદોબસ્ત, ભયસુચક સિગ્નલ લગાવવા જોઈએ. જો અહીં પોલીસ બંદોબસ્ત હોય તો આવી ઘટના અટકાવી શકાય હોત.