Friday, January 31News That Matters

ગુજરાતમાં ભારે વરસાદમાં બનેલા બનાવો લોકોની બેદરકારીથી બન્યા છે, રાહત કામગીરી માટે સરકાર કટિબદ્ધ :- નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ

સમગ્ર ગુજરાતમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં નુકસાનની ભીતિ સેવાઇ છે. પરંતુ, પુર જેવી પરિસ્થિતિમાં કોઈ મોટી જાનહાની થઈ નથી. તેમજ વરસાદના પાણીને કારણે જે વિસ્તાર અસરગ્રસ્ત છે. ત્યાં રાહત કામગીરી કરવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વાપીની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું.

વાપીમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત મહા રક્તદાન કેમ્પનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ગુજરાતમાં વરસતા વરસાદી માહોલ અંગે જણાવ્યું હતું કે, વરસાદ આવે તે ખૂબ જ સારી વાત છે. કેમ કે, વરસાદ માટે આપણે પૂજા પાઠ કરાવીએ છીએ. હાલમાં રાજુમાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પણ ગુજરાત માટે સારી પરિસ્થિતિ છે. રાજ્યના તમામ ડેમ તળાવ ભરાયા છે. ભારે વરસાદમાં ક્યાંય ફ્લડની પરિસ્થિતિ નિર્માણ થઈ નથી.

રાજ્યમાં જે બનાવો બન્યા છે તે અંગે નાણાપ્રધાને જણાવ્યું હતું કે, કેટલાક જિલ્લાઓમાં સામાન્ય બનાવો બન્યા છે. જે બનાવો લોકોની બેદરકારીના કારણે બન્યા છે. જેને પહોંચી વળવા સરકાર કટિબદ્ધ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત કામગીરી આપવા સરકાર સજ્જ છે. મુખ્યપ્રધાને પણ હવાઈ નિરીક્ષણ કરી વરસાદી પાણીથી અસરગ્રસ્ત બનેલા વિસ્તારોની મુલાકાત લીધી છે. પરિસ્થિતિ ને ધ્યાને રાખી સરકારના દરેક વિભાગો યોગ્ય કામગીરી કરી રહ્યા છે.

કનુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદને કારણે કોઈ ખાના ખરાબી સર્જાઇ નથી. પરંતુ લોકોએ અવિચારી કૃત્ય કરીને પાણીના પ્રવાહમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. આવી ઘટનાઓમાં કાર કે બાઈક ચાલક તણાયા હોવાના બનાવો સામે આવ્યા છે. એ સિવાય કોઈ મોટી ઘટના બની નથી.

તો, હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી બાયોટેકનોલોજી પોલીસી 2022-27 અન્વયે એક જ દિવસમાં 2000 કરોડ રૂપિયાના MOU મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન થયા છે. 15 જેટલી કંપનીઓએ કરેલા આ MOU થી સૌરાષ્ટ્ર-કચ્છના દેવભૂમિ દ્વારકા થી લઈને દક્ષિણ ગુજરાતના વાપી વલસાડ સુધીમાં ઉદ્યોગો શરૂ થશે. જેમાં અંદાજિત 3,000 રોજગારીની નવી તકો ઊભી થશે. આ પોલીસી અંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે બાયોટેકનોલોજી ક્ષેત્રે જે MOU થયા છે તેનાથી રોજગારીનું સર્જન થશે. આ પ્રકારના MOU થતા રહે તો તેનાથી રોજગારીના સર્જન સાથે આપણું એક્સપોર્ટ પણ વધશે અને દેશને વધુ હૂંડિયામણ મળશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *