વલસાડ જિલ્લાના વાપીમાં બુધવારે વહેલી સવારે વરસેલા ભારે વરસાદથી રેલવે અન્ડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેને કારણે ઇસ્ટ વેસ્ટને જોડતા રેલવે ફાટક પર ભારે ટ્રાફિક જામ થયો હતો. આવી સમસ્યા ફરી સર્જાય નહિ તે માટે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ ગુરુવારે રેલવે અન્ડરબ્રિજ ની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન ટ્રાફિકને લઈ પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાના વાપી શહેર ખાતે હાલમાં ઓવર બ્રિજ નું કામ ચાલી રહ્યું છે. જેથી લોકોની અવરજવર માટે બે મુખ્ય માર્ગો છે. જેમાંના રેલવે અંડરબ્રિજમાં ભારે વરસાદમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ઠપ્પ થયો હતો. જ્યારે રેલવે ફાટક પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા ટાઉન વિસ્તારમાં પણ ટ્રાફિક સમસ્યા સર્જાય હતી.
રેલવે ગરનાળાની ફરી કાર્યરત કરવા નગરપાલિકા અને વહીવટી તંત્ર સાથે પોલીસે સંકલન સાધી બનતા પ્રયાસોથી ચાર કલાકમાં અંડરબ્રિજના પાણીનો નિકાલ કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરી દીધો હતો. પરંતુ આ સમસ્યા ફરી સર્જાય નહિ તે અંગે તકેદારી રાખવા અન્ડરબ્રિજ ની મુલાકાત લીધી હતી. તેમજ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે ચાલી શકે. આગામી દિવસોમાં જો એવો જ ભારેથી ભારે વરસાદ વરસે તો તે સમયે પણ ટ્રાફિક વ્યવસ્થા ને અસર ન થાય તેના માટે કઈ રીતે કામગીરી કરી શકાય તે અંગે ડીવાયએસપી, નગરપાલિકાના સત્તાધીશો, કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી
જિલ્લા પોલીસવડા એ રેલવે ગરનાળા ખાતે પાણીના નિકાલની વ્યવસ્થા તપાસી, પોલીસ જવાનોની કામગીરી અંગે જરૂરી સૂચનો કર્યા હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અનેક નાના મોટા કોઝવે પર પાણી ફરી વળતા હોય છે. હાલમાં પણ 36 જેટલા આવા ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. આવા સમયે કોઈ વાહન ચાલક પાણીના ધસમસતા પ્રવાહમાં ઉતરે નહિ તે માટે બંને તરફ પોલીસ જવાનો મૂકી વાહન ચાલકોને સચેતે કરવામાં આવે છે. કોઈપણ વાહન ચાલક વરસાદી પાણીમાં ઉતરીને અકસ્માતનો ભોગ ન બને તે માટે પૂરતી કાળજી લેવામાં આવી રહી છે.
જિલ્લા પોલીસવડા ની મુલાકાત દરમ્યાન વાપી ડિવિઝનના DYSP બી. એન. દવે, વલસાડ LCB PI વી. બી. બારડ, વાપી ટાઉન પોલીસ મથકના PI સી. બી. ચૌધરી સહિત ટ્રાફિકનું સંચાલન કરતા પોલીસ કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.