વલસાડ જિલ્લાના વાપી નજીક સલવાવ ખાતે આવેલ બેન્ક ઓફ બરોડા ના ATM મશીન તોડી રૂપિયાની ચોરી કરતા 3 આરોપીઓને વલસાડ પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલ ત્રણેય ઈસમો વિજય પેકર્સ એન્ડ મુવર્સ નામની કંપનીમાં કામ કરતા હતા. જેઓ વાપીમાં પિક અપ વાહન લઈને કેમિકલના ડ્રમ ખાલી કરવા આવ્યા હતાં. અને સિક્યુરિટી ગાર્ડ વગરના ATM માં ઘુસી તેને તોડતા ઝડપાઇ ગયા હતાં.
અધિક પોલીસ મહાનિર્દેશક સુરત વિભાગ સુરતના પીયુષ પટેલના માર્ગદર્શન દ્વારા પોલીસ અધિક્ષક, વલસાડ ડૉ. રાજદીપસિંહ ઝાલાની રાહબરી હેઠળ DYSP બી. એન. દવેની સુચના આધારે નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગ કરી રહેલ પોલીસ ટીમે ATM તોડતા ત્રણ ને રંગે હાથ ઝડપી પાડ્યા છે. જે અંગે વલસાડ જિલ્લા પોલીસવડા એ પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી.
પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું. બુધવાર-ગુરુવારની રાત્રી દરમ્યાન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે, રાત્રીના અઢી વાગ્યા આસપાસ વાપી નજીક સલવાવ ગામ માં હાઇવે પર આવેલ બેન્ક ઓફ બરોડાના ATM માં 3 લોકો ATM તોડતા ઝડપાઇ ગયા હતાં.
પકડાયેલ ત્રણેય ઇસમો અમદાવાદની વિજય પેકર્સ એન્ડ મુવર્સ નામની પેઢીમાં કામ કરે છે. જેમાંનો એક આ પેઢીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. જેનું નામ મનોજકુમાર હરીરામ જાટ છે. જે મૂળ રાજસ્થાનનો છે. બીજા બંને મૂળ હરિયાણા ના છે. જેઓના નામ અનુક્રમે રામવીર સુરજભાન શર્મા અને મનદીપ મહેન્દ્ર જાટ છે. જે પણ એજ પેઢીમાં મજૂર તરીકે કામ કરે છે. ત્રણેયની પુછપરછ કરતા તેઓ બોલેરો પીકઅપ ગાડી નંબર GJ27-TT-4776 લઈને વાપી આવ્યા હતાં.
વાપી પહેલા આ ત્રણેય ઈસમો અમદાવાદથી સામાન ભરીને નવસારી આવ્યા હતાં. જ્યાંથી કેમિકલના ડ્રમ ભરી વાપી ખાલી કરવા આવ્યા હતાં. જે દરમ્યાન રાત્રીના સમયે BOB ના ATM માં કોઈ સિક્યુરિટી ના હોય તેમાં ઘુસી તેને તોડી રૂપીયાની ચોરી કરે તે પહેલાં પોલીસના હાથે ઝડપાઇ ગયા હતાં.
પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી બેંક ઓફ બરોડાની સલવાવ બ્રાંચના બ્રાંચ મેનેજર શિવભુષણ અમરસીંગ યાદવની ફરીયાદ આધારે ડુંગરા પોલીસ મથકમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ ત્રણેય આરોપીઓ અગાઉ કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ તેમજ જે પેઢીમાં કામ કરે છે ત્યાં કોઈ ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તેવી તમામ ઝીણવટભરી બાબતે હાલ LCB PSI કે.એમ.બેરીયા, ડુંગરા પોલીસ મથકના PSI એસ.જે. પરમાર અને વાપી ટાઉન પોલીસ મથકના PSI એચ.પી.ગામીત વધુ તપાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ATM તોડી તેમાંથી રૂપિયા કાઢતા પકડાયેલ ત્રણેય ઈસમો પાસેથી ATM તોડવા માટે એક ટૂલ કીટ મળી આવી છે. ત્રણેય ઈસમો જે ATM માં બેંકની પાસબુક પ્રિન્ટ થાય તેને તોડી રહ્યા હતાં. જેના પરથી અનુમાન લગાવવામાં આવ્યું છે કે, તેઓ રૂપિયા જેમાં રાખવામાં આવતા હોય તે અને જેમાં પાસબુક પ્રિન્ટ થાય છે. તે ATM અંગે અજાણ છે. છતાં તેમનો તમામ રેકોર્ડ તપાસવામાં આવી રહ્યો છે.