વાપી નગરપાલિકાના રેલવે ગરનાળામાં દર વર્ષે મેઘરાજા મબલખ પાણી ઠાલવી પાલિકાની મજાક ઉડાવતા હતાં. જો કે, આ વખતે પાલિકાએ સંપૂર્ણ સાવચેતી રાખી હોવા છતાં કોઈ અવળચંડાએ પાણીના નિકાલ કરવાની જગ્યાએ તાડપત્રી ખોસી દેતા બુધવારે 2 કલાકમાં વરસેલા પોણા ચાર ઇંચમાં રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ થયું હતું.
વલસાડ જિલ્લાના વાપીમાં મેઘરાજાએ 2 કલાકમાં 85mm વરસાદ વરસાવી સિઝનની અડધી સદી પુરી કરી છે. વાપીમાં આજે સવાર સુધીમાં કુલ સિઝનનો 51.58 ઇંચ વરસાદ નોંધાયો છે. વહેલી સવારે ખાબકેલા ભારે વરસાદમાં રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાપી ઇસ્ટ અને વેસ્ટમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
વાપીના ઇસ્ટ વેસ્ટ વિસ્તારને જોડતા મુખ્ય માર્ગ એવા રેલવે ગરનાળામાં ગળા ડૂબ પાણી ભરાયું હતું. રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગરનાળાના પાણીનો નિકાલ કરવા નગરપાલિકાના વિવિધ ડિપાર્ટમેન્ટના 40 જેટલા કર્મચારીઓ કામે લાગ્યા હતાં.
તો, ભારે વરસાદને કારણે નાના ગરનાળામાં દ્વિચક્રી વાહન ચાલકો ફસાયા હતા. જેઓ મહા મહેનતે પોતાના વાહનો ગરનાળામાંથી બહાર કાઢતા જોવા મળ્યા હતા. કેટલાકના વાહનો પાણીમાં બંધ થઈ જતા તેને ધક્કા મારી બહાર કાઢવા પ્રયાસ કરતા હતાં. બંને રેલવે ગરનાળા પાણીમાં ગરકાવ થતાં રેલવે ફાટક, વાપી ટાઉન વિસ્તારમાં ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.
વાપીના મુખ્ય રેલવે ગરનાળા પર પરિસ્થિતિ જોવા પાલિકા ચીફ ઓફિસર સાથે આવેલા પાલિકાના ઉપપ્રમુખ અભય શાહે જણાવ્યું હતું કે, ગરનાળામાં પાણીના નિકાલ માટે વાપી નગરપાલિકા દ્વારા ચાર જેટલા હેવી જેટ પમ્પ મૂકી ગરનાળામાં પાણી ભરાઈ નહીં તેવી સાવચેતી દાખવી હતી. પરંતુ કોઈક કે ગરનાળાના પાણી જવાના માર્ગ પર તાડપત્રી નાખી દેતા ગરનાળામાં પાંચ ફૂટ થી વધુ પાણી ભરાઈ ગયું હતું. જેનો નિકાલ નગરપાલિકાના ડ્રેનેજ, વોટર સપ્લાય, ઇલેક્ટ્રીક વગેરે વિભાગના અને ફાયર જવાનો મળી કુલ 40 જેટલા કર્મચારીઓ ગરનાળાના પાણીનો નિકાલ કરવા કામે લાગ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 50 ઇંચની અડધી સદી પુરી કરવાના મૂડમાં મેઘરાજાએ વાપીને 2 કલાકમાં જ તરબોળ કરી દેતા જનજીવન પ્રભાવિત થયું હતું. વલસાડ જિલ્લામાં વરસેલા સીઝનના કુલ વરસાદની વિગતો જોઈએ તો વલસાડ તાલુકામાં અત્યારે સુધીમાં 1097 mm વરસાદ વરસી ચુક્યો છે. ધરમપુરમાં 1114 mm, પારડીમાં 1,086 mm, કપરાડામાં 1319 mm, ઉમરગામમાં 1158 mm, અને વાપીમાં 1303 mm વરસાદ વરસી ચુક્યો છે.