વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામની વિવાદિત પંચાયતનું ભૂત ફરી ધુણ્યું છે. આ વખતે પણ પૂર્વ સરપંચનું નામ પ્રથમ છે. જો કે તેની સાથે સાથે વર્તમાન સરપંચ અને તલાટી સામે પણ 3.50 કરોડના કૌભાંડમાં મિલીભગત સામે આવી છે. જેને લઈને ત્રણેય સામે નોંધાયેલ ફરિયાદ બાદ ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. આ પ્રકરણમાં રોકાણકારોના પૈસાનું શું થશે? તેમજ પંચાયતમાં વહીવટદાર નિમશે કે કેમ તે સવાલ ગામલોકોમાં ઉઠ્યા છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામપંચાયત હસ્તક આવેલી ગૌચરની જમીન પર પૂર્વ સરપંચ અમિત પટેલે વહીવટી મંજૂરી મેળવ્યા વિના જ ગેરકાયદેસર રીતે પંચાયતના ખોટા ઠરાવો કરીને 58 જેટલી કાચી દુકાનો બનાવી હતી. જે દુકાનોની હરાજી કરીને વેપારીઓ પાસેથી 3.50 કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. દુકાનોની હરાજીની આવેલી આવકને ગ્રામ પંચાયતના સ્વભંડોળ ના ખાતામાં જમા કરાવવાની જગ્યાએ ખાનગી બેંકમાં અલગ ખાતું ખોલાવી તમામ રૂપિયા FD કરીને રાખવામાં આવ્યા હતા.
આ સમગ્ર કૌભાંડ હરાજીમાં દુકાનો મેળવનાર વેપારીઓને ધ્યાને આવતા ગ્રામપંચાયત, તાલુકા પંચાયતમાં દુકાનની હરાજી વખતે આપેલા રૂપિયા પરત માંગતી અરજીઓ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ઘટના અંગે TDOએ તમામ તપાસ પૂર્ણ કરતા સોળસુંબા ગ્રામપંચાયતના પૂર્વ સરપંચ, હાલના સરપંચ અને તલાટી સામે 420ની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ આધારે ઉમરગામ પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, 3.50 કરોડ જેવી માતબર રકમ ઓહિયા કરનારા પૂર્વ સરપંચ અમિત પટેલ અને તેના મળતીયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
જો કે અમિત પટેલ સામે આ કોઈ પહેલી ફરિયાદ નથી. તેમના સરપંચ ના કાર્યકાળથી તેમની સામે અનેકવાર આવી ફરિયાદ થઈ ચૂકી છે. કોરોના કાળમાં તુમાખી નિર્ણયો લઈ જિલ્લા મેજીસ્ટ્રેટ ના હુકમનો અનાદર કરી ભેખડે ભરાઈ ચુક્યા છે. લાંચ માંગવાના કેસમાં ACB ના હાથે ઝડપાઇ ચુક્યા છે. આર્વી કન્સ્ટ્રકશન કંપનીના નામે તકલાદી કામો કરવા બાબતે વગોવાઈ ચુક્યા છે. આવા અનેક કારનામા પૂર્વ સરપંચ અમિત પટેલના નામે બોલે છે.
પૂર્વ સરપંચ અમિત મણિલાલ પટેલ, હાલના સરપંચ બળદેવ જાસુભાઈ સુરતી અને તલાટી સુધીર પ્રવીણ પટેલની સંડોવણી સામે આવતા TDO એ ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ત્રણેય ફરાર છે. અને ધરપકડથી બચવા આગોતરા મેળવવાની તજવીજ કરી રહ્યા છે. ત્યારે ફરી એક વાર ગામલોકોમાં અને રોકાણકારોમાં સવાલ ઉભા થયા છે કે, તેમને તેમના રોકાણના રૂપિયા પરત મળશે? પંચાયત ના વર્તમાન સરપંચ પણ આમાં સંડોવાયેલ હોય પંચાયત નો કાર્યભાર સંભાળવા વહીવટદાર નિમશે…?