પીને વાલોં કો પીને કા બહાના ચાહીયે…તેમ શ્રાવણ માસમાં જુગારીયાઓને જુગાર રમવાડવા માટે દમણ અને વલસાડ જિલ્લામાં વાપીના ઉદ્યોગોમાં, આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ફાર્મ હાઉસમાં, વાપીના પોશ ગણાતા એરિયાની હાઇફાઈ સોસાયટીઓમાં, સંજાણ-ઉમરગામમાં તેમજ દમણ, સેલવાસ, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તલાસરી, ઝાઈ, દહાણું, થાણેમાં જુગારની ક્લબ ધમધમતી થઈ જાય છે. ત્યારે આ વખતે અધિક શ્રાવણ પણ હોય જુગારિયાઓ માટે જુગાર ધામમાં વિશેષ સગવડ કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
શ્રાવણ આવે કે લોકો જુગાર રમવાનું શરુ કરી દે છે. એમાં પણ આ વર્ષે અધિક શ્રાવણ હોય, કેટલાક નસેડીઓએ અને જુગારીયાઓએ જુગારની ક્લબ જ ખોલી મોટાપાયે જુગાર રમાંડવાનો ધંધો શરૂ કરવાની તૈયારીઓ આદરી દીધી છે. શ્રાવણ માસ શરૂ થતાં જ દમણમાં અને સંજાણમાં જુગારની ક્લબ શરૂ થઈ જતી હોય છે. જેમાં આ વર્ષે દમણમાં ડાભેલ, દેવકા, પાતલીયામાં અનેક હોટેલો એ માટે બુક કરવામાં આવી છે. અને મોટું સેક્શન નક્કી કરી નાખ્યું છે. સંજાણ માં પણ વલસાડના જુગારિયા શ્રાવણ માસને ધ્યાને રાખી જુગારની ક્લબ શરૂ કરે છે. જેમાં કેટલાક રેગ્યુલર જુગારીયા તો કેટલાક શ્રાવણ માસમાં મોજ ખાતર જુગાર રમવા જતા હોય છે.
એવી જ રીતે વલસાડ જિલ્લામાં વાપીના કેટલાક ઉદ્યોગોમાં, આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ફાર્મ હાઉસમાં, વાપીના પોશ ગણાતા એરિયાની હાઇફાઈ સોસાયટીઓમાં, સંજાણ-ઉમરગામમાં તેમજ સેલવાસ અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તલાસરી, ઝાઈ, દહાણું, થાણેમાં જુગારની ક્લબ ધમધમતી થઈ જાય છે.
દમણમા મટકા કિંગ તેમના અડ્ડા પર તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી ધંધો શરૂ કરી દીધો હોવાની વિગતો સૂત્રો તરફથી સાંપડી છે. જેમાં ગુજરાતના સુરતીલાલાઓ અને અન્ય શહેરો તેમજ રાજ્યના જુગારીયાઓ શરાબ-શબાબ અને કબાબની મહેફિલો માણવા સાથે જુગારની બાજી રમવા આવે છે. તગડી કમાણી કરાવતા આવા અડ્ડાઓ પર તંત્રની મીઠી નજર હેઠળ જુગારધામના સંચાલકો સક્રિય થયા છે.
દમણનાં પાતલીયા, ડાભેલ, કચીગામમા અનેક જુગારના અડ્ડા ફરી ધમધમતા થાય છે. દમણની મોટી હોટલોમાં પણ વિશેષ બંદોબસ્ત સાથે હાઇપ્રોફાઇલ ગેમ્બલીંગ શરૂ થાય છે. જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાત અને મહારાષ્ટ્રથી શોખીન લોકો જુગાર રમવા આવે છે. કેટલાક હાઈ પ્રોફાઈલ જુગારધામમાંં તો ખાસ જુગારિયાઓને વિશેષ પ્રલોભન આપી આમંત્રણ અપાઈ રહ્યા છે.
તો, મહારાષ્ટ્ર માં દાદાના જુગારના અડ્ડાઓ પર રેઇડ કરી તેને બંધ કરાવ્યા બાદ ફરી તે ધમધમતા થયા છે. ઉમરગામ નજીક મહારાષ્ટ્રના ઝાઈ, બોરડી, તલાસરી, દહાણું, થાણે જેવા વિસ્તારમાં વારંવાર જુગારના સ્થળો બદલતા આ મહાશયે શ્રાવણ અને અધિક શ્રાવણ માસનો લાભ ઉઠાવવા ફરી તડામાર તૈયારીઓ કરી નાખી છે. જ્યાં અનેક મોટા જુગારીયાઓ લાખો ના દાવ ખેલવા આવે છે.
સુત્રોનું માનીએ તો, આ જુગાર કલબમાં રોજના 3 થી 4 કરોડનો જુગાર રમાય છે. જે આ શ્રાવણ માસ દરમ્યાન બેગણા આંકડા પર જઈ શકે છે. જો કે, જેમ જુગારીયાઓ એ જુગાર રમવા માટેની કે રમાંડવાની તૈયારીઓ કરી છે તેવી જ રીતે પોલીસે પણ તેઓને દબોચી લઇ કાયદાનો પાઠ ભણાવવાની તૈયારીઓ માટે લાંબુ લિસ્ટ બનાવી રાખ્યું છે. હવે તે લિસ્ટ મુજબ કોણ ક્યારે દબોચાઈ છે તે જોવું રહ્યું.