Friday, January 31News That Matters

માર્ગ સલામતી અને સુરક્ષા માટે સોળસુંબા–વેવજી બોર્ડર પર ગુજરાત-મહારાષ્ટ્ર પોલીસનું સંયુક્ત ઓપરેશન

ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યની સંવેદનશીલ ગણાતી સોળસુંબા-વેવજી બોર્ડર ૫૨ શનિવારે વલસાડ અને પાલઘર જીલ્લા પોલીસ અધિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. માર્ગ સલામતી અને રાજ્ય બોર્ડર પાર કરી ગુનાઓને અંજામ આપવાનો ઈરાદો ધરાવતાં ગુનેગારોને ઝબ્બે કરવાંનાં હેતુસર બન્ને રાજ્યના પોલીસ જવાનોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરતા વાહનચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

ઉમરગામ ઔધોગિક વિસ્તાર તથા ગુજરાત – મહારાષ્ટ્ર બોર્ડર સમીપ હોવાથી અરસપરસ રાજ્યોનાં વાહનોની અવરજવર દિવસે દિવસે વધી રહી છે. વળી, મહારાષ્ટ્ર રાજ્યનાં તલાસરી તથા દહાણું તાલુકાનાં અંતરીયાળ ગામના રહેવાસીઓ ઉમરગામના ઉદ્યોગોમાં કામ કરવા આવે છે. જે લોકોને લઈ આવતાં વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર રાજ્યનાં તલાસરી તથા દહાણું તાલુકાનો બહુધો વિસ્તાર આદિવાસી હોય, માર્ગ સલામતીનાં નિયમોથી વાહનચાલકોને અવગત કરાવવું ખુબ જ જરૂરી થઈ પડ્યું છે.

વાહનોનાં અકસ્માતમાં ઘટાડો લાવવાં તેમજ સલામતીનું સભાન કરાવવાં વાહન ચાલકોને અકસ્માતોનાં કારણો, પરિણામો તથા આવી ઘટનાઓને કાબુમાં લેવા માટે જરૂરી સાવચેતીઓ રાખવાં, ચેકીંગ દરમ્યાન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્ર રાજ્યનાં ઘોલવડ પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર ગજાનન પડળકરની સાથે ગુજરાત રાજ્યનાં ઉમરગામ પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર એન હાથલીયાએ વાહનચાલકોને ટ્રાફિકનાં સંકેતો (સિગ્નલો) પાલન કરવાં અને ગાડીનાં તમામ કાગળો, જેમાં ગાડીઓ માટે આર.સી.બુક, વાહનચાલકનું લાયસન્સ, ગાડીનો વીમો પી.યુ.સી. તથા ટુ-વ્હીલર માટે હેલ્મેટ સાથે રાખવાં તાકીદ કરાઈ હતી.

બંને રાજ્યોનાં આ પોલીસ ઈન્સ્પેક્ટરોએ વિગતવાર વાહનચાલકોને ચેકીંગ દરમ્યાન સુચનાં આપ્યાં બાદ, ઓવરટેક કરતી વખતે ધ્યાન રાખવાની અને વિરૂધ્ધ દિશામાં વાહન ન ચલાવવું તે બાબતે અવગત કર્યા હતાં.

અત્રે નોંધનિય છે કે, ઉમરગામ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઈન્સ્પેક્ટર વી. ડી. મોરીની બાજ નજર બોર્ડર વિસ્તાર પર સતત રહેતી હોવાથી ગુનેગારોમાં ફફડાટ પણ જોવાં મળ્યો છે. તેમ છતાં બોર્ડરનો લાભ લેતાં ગુનેગારોને ઝબ્બે કરવાંનાં સંકેત થકી, આ સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જેમાં ચોરી, લૂંટફાટ અને નશીલી વસ્તુ વેચતાં ઈસમોને ઝબ્બે કરવાં ખાસ યોજનાબધ્ધ અસરકારક મુહીમ ચલાવી છે. બંને રાજ્યોની પોલીસ એકમેકનાં તાલમેળથી રહી ગુનેગારોનો ખાતમો કરવાં કટીબઘ્ધ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *