એક સ્પા સંચાલક પાસે 5 લાખની ખંડણીની માંગણી કરનાર વાપી, દમણ, સેલવાસના 3 પત્રકારો વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. FIR થતાની સાથે જ આ તોડબાજ ત્રિપુટી હાલ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. જ્યારે, આ તોડબાજ ત્રિપુટી નો ભોગ બનનાર અન્ય લોકો પણ પોલીસ પાસે આવી ફરિયાદ કે વિગતો આપે તેવી અપીલ પોલીસે કરી છે.
આ તોડબાજ ત્રિપુટીએ જિલ્લાના તમામ પત્રકારો સામે પણ પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. ત્યારે, આ ત્રિપુટીને એક ટ્રસ્ટમાં મહત્વના હોદ્દા આપનાર ટ્રસ્ટ સામે પણ શંકા ની સોય ઉભી થઇ છે. સુત્રોનું માનીએ તો, થોડા દિવસ પહેલા વાપીમાં મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપી ની નોંધણી કરાવવામાં આવી હતી.
Media Charitable Trust Vapi ના નામે આ ટ્રસ્ટ રજીસ્ટર થયું છે. જેનો રજીસ્ટર નંબર F/1887/VALSAD/GUJARAT/1842/VALSAD છે. આ ટ્રસ્ટમાં જયરૂપદાસ વૈષ્ણવની પ્રેસિડેન્ટ્સ તરીકે જ્યારે સેક્રેટરી તરીકે સોનિયા ચૌહાણ, ટ્રેઝરર તરીકે ક્રિષ્ના ઝા, જોઈન્ટ ટ્રેઝરર તરીકે સેમ એમ. શર્માની નિમણૂક કરાઈ હતી. જ્યારે તે બાદ ના હોદ્દા અન્ય બોર્ડ મેમ્બર તરીકે હતાં. સંસ્થાની સ્થાપના બાદ એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે વાપીના ઉદ્યોગો માંથી, વેપારીઓ પાસેથી અને રાજકીય આગેવાનો પાસેથી ફંડ પણ એકત્ર કરવામાં આવ્યું હતું.
એક જાણીતા ટ્રસ્ટના ટ્રસ્ટી તરફથી તેમજ એક મહિલા વકીલ તરફથી મળેલી વિગતો મુજબ કોઈપણ ટ્રસ્ટની નોંધણી જ્યારે ચેરિટી કમિશનરમાં કરવામાં આવે છે. ત્યારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે, ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ ગુજરાતના જ હોવા જરૂરી છે. તો, પછી આ મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટમાં સંધ્યા ઉર્ફે સોનિયા ચૌહાણનું સરનામું દમણ અને સેમ મહેન્દ્ર શર્મા નું સરનામું દાદરા નગર હવેલી નું હોવા છતાં કેમ તેઓને સામેલ કરાયા તે અંગે પણ ચેરિટી કમિશનરે તપાસ કરી યોગ્ય ખુલાસો કરવો જોઈએ.
જો કે, ટ્રસ્ટની સ્થાપના, સામાજિક સેવાકીય કાર્યક્રમ કરનાર ટ્રસ્ટના સોનિયા ચૌહાણ, ક્રિષ્ના ઝા, સેમ શર્મા નામની ત્રિપુટીએ એક સ્પા પાર્લર સંચાલક પાસે 5 લાખની ખંડણી માંગી જેની ફરિયાદ સ્પા સંચાલકે વાપી ટાઉન પોલીસ મથકમાં કરી કે તરત જ ટ્રસ્ટ ના પ્રમુખ સહિત બોર્ડ મેમ્બરોએ તેઓની પડખે ઉભા રહેવાને બદલે તેઓને બરખાસ્ત કરવાની, ટ્રસ્ટનું જે સરનામું સિલ્વર પોઇન્ટ નોંધણી વખતે આપ્યું હતું તે ફેરફાર કરવા સહિતની કાર્યવાહી કરી નાખી છે.
ટ્રસ્ટની આ ત્વરિત કામગીરી જોતા અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. કે, શુ ટ્રસ્ટ આ મામલે પોતાના બચાવમાં આ બધું કરી રહ્યું છે…? શુ ટ્રસ્ટના પ્રમુખ અને બોર્ડ મેમ્બરોને આ ઘટના બાદ ખબર પડી કે, મહત્વના હોદ્દા પર બેસાડેલા આ ત્રણેય તોડબાજ છે…? આ તોડબાજ ત્રિપુટી નું નામ અનેકવાર ચર્ચામાં રહ્યું હોવા છતાં તેઓને મહત્વના હોદ્દા આપવા પાછળ કોઈ ખાસ કારણ હતું…? કોઈપણ ગુન્હો સાબિત થાય તો જ તે ગુન્હેગાર કહેવાય છે. પરન્તુ અહીં તો જાણે ટ્રસ્ટના હોદ્દેદારોને ખબર જ હતી કે આ ગુન્હેગાર છે. એટલે રેલો પગ નીચે આવે તે પહેલાં જ છટકબારી શોધી તેઓને બરખાસ્ત કરી તેમના સ્થાને નવા સભ્યોની નિમણૂક કરી દેવામાં આવી છે. સુત્રોનું માનીએ તો આ મામલે પોલીસે ટ્રસ્ટના પ્રમુખ અને સભ્યોનું પણ પુછાણું લેવું જોઈએ અને તેઓની આ ત્વરિત કાર્યવાહી માટે ઉલટ તપાસ કરે તો કદાચ આ મામલામાં વધુ મોટા ઘટસ્ફોટ થઈ શકે છે.
નવાઈની વાત તો એ છે કે, ટ્રસ્ટના રક્તદાન કાર્યક્રમ માટે જ નહીં પરંતુ ન્યૂઝ કવરેજ માટે પણ ટ્રસ્ટના પ્રમુખ, બોર્ડ મેમ્બરો, ટ્રેઝરર, જોઈન્ટ ટ્રેઝરર આ તમામ ટ્રસ્ટની સેક્રેટરી બનેલી સોનિયા ચૌહાણની કારમાં જ સાગમટે જતા હતાં. તો, શુ ત્યારે આ લોકોએ સાથે મળીને કોઈને ન્યૂઝ છાપી, પ્રસારિત કરી બદનામ કરી દેવાના નામે પેંતરા નહિ કર્યા હોય તે અંગે તેમજ રક્તદાન કેમ્પના નામે કરેલી ઉઘરાણી અંગે પણ તપાસ થવી જોઈએ, ટ્રસ્ટને દાન પેટે રકમ આપનાર ઉદ્યોગકારો, વેપારીઓ, રાજકીય આગેવાનો પાસેથી પણ તેનો હિસાબ માંગવો જોઈએ અને એ રકમ આપનારે આ રકમ CSR હેઠળ કે અન્ય ક્યાં કાયદા હેઠળ આપી છે તે દિશામાં પણ તપાસ થવી જોઈએ.