વાપી રેલવે સ્ટેશનની ઉત્તર તરફ દહાણું-વડોદરા એક્સપ્રેસ ટ્રેન અડફેટે આવી જતા એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૂળ રાજસ્થાનના આ યુવકનું મૃત્યુ થતા તેના મૃતદેહની ઓળખ કરી હતી. જે બાદ વાપી રેલવે પોલીસે નજીકની ચલા સરકારી હોસ્પિટલ ખાતે PM કરાવી મૃતદેહને મૃતકના વાલી વારસ ને સુપ્રત કર્યો હતો. ઘટનામાં વધુ એકવાર વાપીમાં બિનવારસી મૃતદેહો ઉંચકતી જમીયતે ઉલમાં ટ્રસ્ટ વાપી ના પ્રમુખ ઇન્તેખાબ સહિત સંસ્થાના સભ્યોએ તેમની સેવા પૂરી પાડી હતી.
વાપી રેલવે પોલીસ સ્ટેશન તરફથી મળેલી વિગતો મુજબ 7મી જુલાઈએ સાંજના 16:55 વાગ્યે એક યુવક ટ્રેન અડફેટે આવી ગયો હતો. વાપીમાંથી પસાર થઈ રહેલા દહાણું-વડોદરા એક્સપ્રેસ ટ્રેન અડફેટે આવી જતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. જે અંગે વાપી રેલવે પોલીસને જાણકારી મળતા રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મધુબેન નટુભાઈને તપાસ સોંપી હતી.
ટ્રેન અડફેટે આવ્યા બાદ મોતને ભેટેલા યુવકની ઓળખ અંગે તપાસ હાથ ધરતા મૃતકના વાલી વારસો મળી આવ્યા હતાં. જેઓના જણાવ્યા મુજબ મરનાર યુવકનું નામ સુરેશ કુમાર તારાસિંગ સૈની હતું. તે 32 વર્ષનો યુવાન હતો. વાપીમાં ટાઇલ્સ ફિટિંગનું કામ કરતો હતો. તે મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના સિહોરી ધાની ખુડાલિયાનો વતની હતો. યુવક પરણિત હતો અને તેને પરિવારમાં પત્ની અને 2 સંતાનો છે જેઓ રાજસ્થાન તેમના વતનમાં રહે છે. જેના મોતની ખબર મળતા તેમના પરિવારમાં ગમગીનીનો માહોલ પ્રસર્યો હતો.
મૃતક યુવકની ઓળખ બાદ બીજા દિવસે 8મી જુલાઈએ તેમનો ભાઈ તેમના મૃતદેહને લઈ જવા આવ્યો હતો. રેલવે સ્ટેશને રેલવે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતક યુવકના મૃતદેહને ચલા સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. જ્યાં તેનું PM કરી મૃતદેહ તેમના વાલી વારસોને સુપ્રત કર્યો હતો. આ માટે વાપીમાં બિનવારસી મૃતદેહો ઉંચકતા જમીયત ઉલમાં ટ્રસ્ટ વાપીના ઇન્તેખાબ ને જાણ કરતા તેઓ તેમની ટીમ અને એમ્બ્યુલન્સ સાથે વાપી રેલવે સ્ટેશને પહોંચી પોતાની સેવા આપી આપી હતી.