વલસાડ જિલ્લાની ભિલાડ ચેકપોસ્ટ પર ગુરુવારે દારૂ બિયરની બોટલો અને ટીનના ડબ્બાઓ પર પોલીસે રોલર ફેરવી 1.72 કરોડના જથ્થાનો નાશ કર્યો હતો. ચેકપોસ્ટ પર દારૂ-બિયર નો નાશ કરવામાં આવતા આલ્કોહોલની તીવ્ર વાસ સાથે આ પ્રવાહીની નદી વહી હતી.
વલસાડ જિલ્લો એ લિકર ફ્રી સ્ટેટ ગણાતા મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદને જોડતો ગુજરાતનો સરહદી જિલ્લો છે. આ વિસ્તારમાં મોટેપાયે દારૂની હેરાફેરી થાય છે. જેના પર વલસાડ જિલ્લા પોલીસ અનેકવાર તવાઈ બોલાવી મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ કરે છે. આવી જ પ્રોહીબિશન હેઠળની કાર્યવાહી દરમ્યાન વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ મથક, કપરાડા પોલીસ મથક અને નાના પોન્ઢા પોલીસ મથક દ્વારા જપ્ત કરેલા 1.72 કરોડના દારૂના જથ્થાને ગુરુવારે ભિલાડ ચેકપોસ્ટ ખાતે લાવી તેના પર રોલર, બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો.
ભિલાડ ચેકપોસ્ટ ખાતે વલસાડ જિલ્લાના SDM, DYSP, ધરમપુર, નાના પોન્ઢા PSI અન્ય પોલીસ મથકના PI, PSI ની હાજરી માં પોલીસ મથકમાંથી દારૂને ટ્રકમાં ભરી ને લાવવામાં આવ્યો હતો. તમામ અધિકારીઓની હાજરીમાં આ દારૂ બિયરના જથ્થાને જમીન પર પાથરી તેના પર રોલર, બુલડોઝર ફેરવ્યું હતું. દારૂ-બિયરની બોટલો, ટીન પર રોલર ફરતા તેમાં રહેલા આલ્કોહોલની નદી વહેતી થઈ હતી. તેમજ તીવ્ર વાસથી ચેકપોસ્ટ નો વિસ્તાર માથું ફાડી નાખે તેવી દુર્ગંધની ગંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ત્રણ પોલીસ મથકનો મળી કુલ 1.72 કરોડની કિંમતના દારૂમાં એકલા ધરમપુર પોલીસ મથકમાંથી લેવાયેલ જપ્ત કરેલો દારૂ જ 1 કરોડથી વધુની કિંમતનો હતો.