વલસાડ જિલ્લામાં 69 જેટલી ક્વોરી હાલ ચાલુમાં છે. જો કે, તેનાથી 3 ગણી ક્વોરીઓ બંધ હાલતમાં છે. જેમાંથી મોટાભાગની ક્વોરીઓ અવાવરું હોય અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે. આવી ક્વોરીઓનો જો સરકાર અને સ્થાનિક પ્રશાસન ચાહે તો સદઉપયોગ કરી શકે છે. જિલ્લાના અનેક ગામ કે શહેર નજીક આવેલી આવી બંધ પડેલી ક્વોરીમાં ગામનો કચરો ઠાલવવાની મંજૂરી મેળવી તેને ડંપિંગ સાઇટ તરીકે વિકસાવવી જોઈએ તેવી ઈચ્છા વાપીના કેટલાક જાગૃત નાગરિકોએ તેમજ ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી છે.
લોકોનું માનીએ તો, વર્ષો સુધી બલિઠા ખાતે હાઇવે નંબર 48ને અડીને આવેલી આવી જ એક ખાણ માં અસંખ્ય લોકો ડૂબીને મોતને ભેટ્યા બાદ તંત્રએ આ ખાણ ને માટી પથ્થરથી બુરી દઈ તેની ઉપર જ મામલતદાર કચેરી બનાવી જગ્યાનો સદઉપયોગ કર્યો છે. આવી જ પહેલ જો અન્ય ક્વોરીઓમાં કરવામાં આવે તો તેનાથી અનેક ફાયદા થઈ શકે છે.
સૌથી મહત્વનું છે કે, વાપી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં, ઉમરગામ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ પારડી, વલસાડ આસપાસના વિસ્તારમાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ કોઈ ડંપિંગ સાઇટ નથી. જેથી સ્વચ્છ ભારતનું મિશન બળવત્તર બનતું નથી. ગામ કે શહેરનો કચરો નજીકમાં જ ક્યાંક ખુલ્લી જમીનમાં ઢગ કરવો પડે છે. જે આસપાસના રહેણાંક વિસ્તાર માટે અસહ્ય દુર્ગંધનું કારણ બની રહી છે. ઢોર, કુતરાઓનો ત્રાસ વધારે છે. વાપી નજીક નામધા ચંડોર ગામના વાપીની આવી જ ડંપિંગ સાઈટથી ત્રાહિમામ છે.
ત્યારે જો, આવી બંધ ક્વોરીઓમાં આ નકામો કચરો ઠાલવવામાં આવે તો, ધીરેધીરે તે ખાણ બુરાઈ શકે છે. ત્યાંજ ડંપિંગ સાઇટ ઉભી કરી કચરાને રિસાયકલ કરવાના યુનિટ સ્થાપી શકાય છે. એક સાથે નજીકના 5 થી 10 ગામના કચરાને એક જ સ્થળે એકઠો કરી થાળે પાડી શકાય છે. જિલ્લાને કચરા મુક્ત જિલ્લો બનાવી સ્વચ્છતા અભિયાનમાં સિંહફાળો આપી શકાય છે. જો કે, આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે તે માટે સ્થાનિક પ્રશાસન અને રાજકીય આગેવાનો પહેલ કરે. જો કે એવું ના થઇ શકે તો પણ કમ સે કમ ખાણ ખનીજ વિભાગે તો, આવી બંધ પડેલી આફત સમાન ક્વોરીઓને તેના માલિકો પાસે ફરી બુરાવવાની પહેલ તો ચોક્કસ કરાવવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, વાપી નજીકના છીરી, છરવાળા, બલિઠા, ચણોદ, નામધા, ચંડોર સલવાવ, વટાર, મોરાઈ જેવા ગામોમાં હાલ કોઈ ડંપિંગ સાઇટ ના હોય ગંદકીનું ઘર બન્યા છે. GIDC માં અનેક ઉદ્યોગોનો કચરો ક્યાંક ને ક્યાંક કોઈ ભંગારીયાઓ ખુલ્લામાં ઠાલવી રોકડી કરી રહ્યા છે. પર્યાવરણને સુરક્ષિત રાખવા હવે ક્વોરીઓનો સદપયોગ કરવા માટેની પહેલ એટલે જ વધુ હિતાવહ હોવાનું લોકોને લાગી રહ્યું છે.