વલસાડ જિલ્લાના ઉદવાડા નેશનલ હાઇવે નંબર 48 નજીક આવેલ કવોરીમાં જમીનના લેવલથી અંદાજિત 100 ફૂટ સુધી નીચે ખોદકામ થઈ રહ્યું છે. ખોદકામ માટે વારંવાર થતા બ્લાસ્ટના કારણે 1 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનોમાં તિરાડો પડી હોવાની રાવ સ્થાનિકોએ એક અખબારના માધ્યમથી તંત્ર સુધી પહોંચાડી છે. જે બાદ વલસાડ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી હોવાની વિગતો મળી છે.
દક્ષિણ ગુજરાતમાં વાપી અને પારડી વચ્ચે આવેલા ઉદવાડા હાઇવે નજીક રેલવે સહિતની કુલ આઠ કવોરી આવેલી છે. જેમાં હાલ જમીન લેવલ કરતાં 100 ફૂટ નીચે સુધી ખોદકામ થઈ રહ્યું છે. ક્વોરી માં પથ્થરોને તોડવા વારંવાર થતા બ્લાસ્ટના કારણે આસપાસના એક કિલોમીટર ત્રિજ્યામાં લોકોનાં ઘરમાં તિરાડો પડી હોવાની બુમરાણ ઉઠી છે.
સ્થાનિકોના આક્ષેપ છે કે આ ઊંડી ક્વોરમાં અનેક વખતે મજૂરો પણ પડી જવાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. કવોરીના કારણે આજુબાજુના વિસ્તારના લોકો ધૂળનો સામનો કરી રહ્યા છે. બ્લાસ્ટિંગના કારણે લોકોના ઘરમાં તિરાડો પડવાની ઘટનાઓ સામે આવી છે. સ્થાનિકોમાં અનેક ફરિયાદો છતાં પણ બેફામ ખનન થઈ રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી આજુબાજુના વિસ્તારમાં રહેતા સ્થાનિકોની મુલાકાત કરી પ્રશ્નો ઉકેલ છે.
જે સંદર્ભે વલસાડ જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ઉદવાડા ક્વોરી આસપાસ તપાસ હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આ અંગે તપાસ કર્યા બાદ જરૂરી પગલાં લેવામાં આવશે. જો કે વલસાડ જિલ્લામાં બ્લેક ટ્રેપ માટે કુલ 69 ક્વોરી લિઝ પર હાલ ચાલુમાં છે. જેમાં તાલુકા મુજબ જોઈએ તો, વલસાડ તાલુકામાં 2, પારડી તાલુકામાં 13, વાપી તાલુકામાં 03, ઉમરગામ તાલુકામાં 17, ધરમપુર તાલુકામાં 6 અને કપરાડા તાલુકામાં સૌથી વધુ 28 ક્વોરી હાલ લિઝ પર ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, ખાણ ખનીજ વિભાગના અધિકારીએ આપેલી માહિતિ મુજબ લિઝ પર અપાયેલ ખાણમાં કેટલી ઊંડાઈ સુધી ખોદકામ કરી પથ્થર કાઢી શકાય તે માટે ઊંડાઈ ફિક્સ નથી. ખાણ લેનાર જ્યાં સુધી તેની મુદ્દત હોય તે મુદ્દત દરમ્યાન જ્યાં સુધી પથ્થર નીકળે ત્યાં સુધી તે ખોદકામ કરી શકે છે. ઘણા સ્થળે જમીનમાં 20-30 મીટર પછી પથ્થર ના મળે તો તેવી ખાણ લિઝ પર લેનારા બંધ કરી દેતાં હોય છે. જો કે, જ્યાં પણ ક્વોરી હોય ત્યાં ક્વોરી માલિકે સુરક્ષા ધ્યાનમાં રાખવી ફરજીયાત છે. ખાણ માં થતા બ્લાસ્ટિંગ થી આસપાસના રહેણાંક વિસ્તારમાં કોઈ નુકસાની થવી જોઈએ નહીં, ધુળ રજકણો ઉડવા જોઈએ નહીં જો એવી સમસ્યા હોય તો તંત્ર ક્વોરી માલિક સામે કાયદાકીય પગલાં લઈ શકે છે.
અત્રે નોંધનીય છે કે, ઉદવાડા ક્વોરીને કારણે વેસ્ટર્ન રેલવે ડિવિઝન ધબકતું થયું છે. જ્યારે, જિલ્લાની એવી બીજી અનેક ગેરકાયદેસર ક્વોરીના કારણે DFCCIL પ્રોજેકટના રેલવે ટ્રેક, બ્રિજ કૌભાંડમાં જગજાહેર બન્યા છે.