વાપી રેલવે સ્ટેશને રેલવે પોલીસ દ્વારા 6,30,420 રૂપિયાની કિંમતનો ગુટખાનો જથ્થો જપ્ત કરી કલમ 102 મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ ગુટખાનો જથ્થો 25 પાર્સલમાં હતો. જે દિલ્હીથી અબ્દુલ સલામના નામે બુક થયા બાદ વાપીમાં અબ્દુલ સલામ નામનો વ્યક્તિ જ લેવા આવવાનો હતો. જો કે રેલવે પોલીસની ટીમેં હાલ આ શંકાસ્પદ જથ્થાને કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વાપી રેલવે સ્ટેશને રેલવે પોલીસ ના અધિકારી પઢીયાર સાહેબને મળેલી બાતમી આધારે ભારતમાં પ્રતિબંધિત ગુટખાનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ દિલ્હીથી મુંબઈ જતી પશ્ચિમ એક્સપ્રેસમાં દિલ્હીથી અબ્દુલ સલામ નામના વ્યક્તિએ માઉથ ફ્રેશનર ના નામે ગુટખાના 25 પાર્સલ મોકલ્યા હતાં. બુક કરેલ આ પાર્સલ વાપીમાં તે જ નામનો વ્યક્તિ એટલે કે અબ્દુલ સલામ લેવા આવશે તેવી વિગતો બુકીંગ સમયે આપી હતી.
જો કે,માઉથ ફ્રેશનર ના નામે બુકીંગ થયેલ આ જથ્થો માઉથ ફ્રેશનર નો નહિ પરંતુ પ્રતિબંધિત ગુટખાનો હોવાની બાતમી વાપી રેલવે પોલીસને મળી હતી. જેથી વાપી ખાતે બુધવારે 3 વાગ્યે 3 નંબરના પ્લેટફોર્મ પર ટ્રેનને સાઈડિંગ કરી તમામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 25 પાર્સલ હતાં. આ પાર્સલમાં રોયલ 1000 અને સનકી નામના પેકિંગમાં ગુટખા હતા.
દિલ્હીથી મુંબઇ જતી પશ્ચિમ એક્સપ્રેસમાંથી જપ્ત કરેલ ગુટખાની પડીકીઓ પર કોઈ કંપનીનું નામ કે ભાવ સહિતની અન્ય કોઈ જ વિગત ના હોય અને તેને લેવા માટે પણ કોઈ વ્યક્તિ આવ્યો નથી. એટલે, હાલ 25 પાર્સલમાં રહેલ કુલ 6,30,420 પડીકીઓને 1 રૂપિયા કિંમત લેખે કલમ 102 મુજબ 6,30,420 રૂપિયાનો મુદ્દામાલ ગણી રેલવે પોલીસે (GRP) કબ્જે લીધો છે. તેમજ FSL રિપોર્ટ કરાવવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તંબાકુ મિક્સ ગુટખા પર પ્રતિબન્ધ છે. એટલે મોટેભાગે મળતી પાન મસાલાની પડીકી સાથે તંબાકુની પડીકી અલગથી દુકાનદારો વેંચે છે. જ્યારે અહીં પકડાયેલ રોયલ 1000 અને સનકી નામની આ પડીકીઓ તંબાકુ મિક્સ છે. એટલે કે તે ગુટખા જ હોય આ ગુટખા ખરેખર કોણ બનાવે છે. અને ક્યાં બનાવી તે વાપીમાં ઠાલવવામાં આવે છે. તે વિગતો મેળવવી અત્યંત જરૂરી છે.