સંઘપ્રદેશ દમણમાં દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલનાં નિવાસ સ્થાને સોમવારનાં રોજ મુંબઈ ની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટ્રેડ ( ઈ.ડી.) ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ED ની ટીમે કરોડો રૂપિયા રોકડા અને કરોડોના દસ્તાવેજો જપ્ત કર્યા હોવાની વિગતો સૂત્રો તરફથી મળી છે.
દમણમાં સુખા પટેલના નિવાસસ્થાન સહિત વલસાડ અને દમણમાં તેમના નજીકના સગા સંબંધિઓ અને મિત્ર વર્તુળોમાં ED ની ટીમે દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ મહત્વની સફળતા મેળવી છે. ED ની ટીમે પ્રથમ ભીમપોર સ્થિત સુખા પટેલના નિવાસ સ્થાન, તેમના પેટ્રોલ પંપ, વાઈન શોપ તથા શો-રૂમ પર સોમવારે સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સુખા પટેલના ઘરેથી ઈ.ડી. ની ટીમે 1.30 કરોડની આસપાસ રોકડા રૂપિયા તથા આશરે 100 કરોડથી વધુંના મહત્વના દસ્તાવેજો કબ્જે કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ સિવાઈ સુખા પટેલનો સાળો જે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડૂંગરી ગામે રહે છે. તે કેતન ઉર્ફે ચકા પટેલના ઘરે પાડવામાં આવેલા દરોડા દરમ્યાન ઈ.ડી. ની ટીમે 6 લાખ થી વધુની રોકડ રકમ તથા અન્ય દસ્તાવેજ કબ્જે કર્યા હતા. જ્યારે દમણનાં મોટી વાંકડ ખાતે રહેતા તેમના સાઢુંભાઈ ભરત પટેલને ત્યાં પાડવામાં આવેલા છાપા દરમ્યાન ઈ.ડી.ની ટીમે 22 લાખ જેટલા રોકડા રૂપિયા કબજે કર્યા હોવાની વિગત સાંપડી રહી છે.
એટલું જ નહીં પણ સુખા પટેલના એકાઉન્ટન્ટ જે પારડી તાલુકાના કોલક ગામે રહેતો હોય એના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી ટીમને મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા. દરોડા દરમ્યાન ઈ.ડી. ની ટીમે સુખા પટેલની મોંધીદાટ ગાડીઓની પણ નોંધણી કરી તે તરફ પણ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ઈ.ડી. ની ટીમે સુખા પટેલ તથા તેમના પરિવારના બેંક એકાઉન્ટ તથા અન્ય પ્રોપર્ટીના દસ્તાવેજોને પણ સીઝ કરી હોવાની ચોંકાવનારી વિગતો મળવા પામી છે.
ઉલ્લેખનિય છે કે, સુખા પટેલ વર્ષ 2018 માં દમણના ડાભેલમાં થયેલા ડબલ મર્ડર કેસમાં હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. ત્યારે 2 દિવસથી ચાલી રહેલી ઈ.ડી. ની કાર્યવાહીમાં કરોડો રૂપિયાની સાથે મહત્વના દસ્તાવેજો કબજે કરાતાં હાલ દમણ અને વલસાડ જિલ્લામાં આ ચર્ચાનો વિષય બન્યો છે.