Friday, January 31News That Matters

ચિંચાઈ, બારોલિયા અને પંગારબારી ગામની આંગણવાડીમાં ગેરરીતિ, દંડ પેટે 24,475 રૂપિયાની વસૂલાત

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ યોજનાનાં સુચારૂ અમલીકરણ અને પારદર્શિતા માટે જિલ્લા આઈસીડીએસ શાખામાં કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આઈસીડીએસ દ્વારા અમલીકૃત વિવિધ યોજના તેમજ લાભાર્થીને મળતા વિવિધ લાભોનું સચોટ ચિત્ર જાણી શકાય તે હેતુથી જિલ્લા કક્ષાએથી કોલ સેન્ટર મારફત આંગણવાડી કાર્યકર તેમજ આંગણવાડીના લાભાર્થીઓને ટેલિફોનિક પૃચ્છા હાથ ધરવામાં આવી છે.

આ પ્રક્રિયા દરમ્યાન વલસાડ ઘટક-3નાં વાંકલ સેજાની આંગણવાડી કેન્દ્ર ચિંચાઈ-૨, ધરમપુર ઘટક-2 નાં કાકડકુવા સેજાની આંગણવાડી કેન્દ્ર બારોલિયા-1 મધળદેવી ફળિયું અને ધરમપુર ઘટક-3 નાં પિંડવળ સેજાની આંગણવાડી કેન્દ્ર પંગારબારી-1 નાં લાભાર્થી દ્વારા લાભ મળતો ન હોવાનું જણાય આવતા પ્રોગ્રામ ઓફિસર દ્વારા બાળ વિકાસ યોજના અધિકારીને તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો.

જેમાં વલસાડ ઘટક-3નાં વાંકલ સેજાની આંગણવાડી કેન્દ્ર ચિંચાઈ-2 આંગણવાડી કાર્યકર દ્વારા અમુક લાભાર્થીને દૂધ સંજીવની યોજનાનો લાભ આપવામાં આવતો ન હતો એવું જાણવા મળ્યુ હતું, પરંતુ તે લાભાર્થીના દૂધનું માંગણું કરવામાં આવતું હતું. જેની ઘટક કચેરી દ્વારા તપાસણી કરી આંગણવાડી કાર્યકરને તેમની ફરજ પરની બેદરકારી બદલ નોટિસ આપી પુરાવા સાથે રૂબરૂ ખુલાસો માંગી, રકમ 1762 રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.

તે જ રીતે, ધરમપુર ઘટક-2 નાં કાકડકુવા સેજાની આંગણવાડી કેન્દ્ર બારોલિયા-1 મધળદેવી ફળિયુનાં આંગણવાડી કાર્યકર દ્વારા લાભાર્થીના લાભ મળ્યા છે એમ રેકર્ડ રજિસ્ટર પર બતાવી દેવામાં આવ્યું હતું. જ્યારે હકીકતમાં લાભાર્થીની ગૃહ મુલાકાત કરી ક્રોસ ચકાસણી કરતા તેઓને લાભ મળતો નથી એમ જણાઈ આવતા આંગણવાડી કેન્દ્ર બારોલિયા-1 મધળદેવીના કાર્યકર પાસે રકમ 11,725 રૂપિયા તેમજ ધરમપુર ઘટક-3 નાં પિંડવળ સેજાની આંગણવાડી કેન્દ્ર પંગારબારી-1 નાં આંગણવાડી કાર્યકર પાસે રકમ 10,988 રૂપિયાની વસૂલાત ચાલુ માસમાં કરવામાં આવી છે. આમ, વલસાડ જિલ્લામાં આંગણવાડી કાર્યકરની ફરજ પ્રત્યેની બેદરકારી બદલ કુલ રૂ. 24,475 રૂપિયાની વસૂલાત કરી ચલણ મારફતે સરકારશ્રીમાં જમા કરવામાં આવી છે.

આ મુજબની પ્રક્રિયા હાથ ધરવાથી આંગણવાડી કક્ષાએથી વંચિત લાભાર્થીઓને સરકાર દ્વારા મળતી યોજનાનો લાભ મળવામાં સુગમતા રહેશે તેમજ આંગણવાડી કાર્યકર દ્વારા તેમની ફરજ પ્રત્યેની બેદરકારી સામે કરવામાં આવેલી કાર્યવાહી અન્ય જિલ્લાની 1899 આંગણવાડી કાર્યકર માટે દાખલારૂપ બની રહેશે. જે થકી તમામ લાભપાત્ર લાભાર્થીઓને સરકારશ્રી દ્વારા મળતા લાભો મળી રહેશે. આ સાથે જિલ્લાની જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે, આવી કોઈ ગેરરીતિ ધ્યાને આવે તો આઈસીડીએસ શાખા, જિલ્લા પંચાયત કચેરીને જાણ કરવી. આ તમામ પ્રક્રિયાની કામગીરી પ્રોગ્રામ ઓફિસર નિલમબેન પટેલના નેજા હેઠળ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *