વાપી પત્રકાર વેલફેર એસોસિએશન દ્ધારા વાપીમાં તાજેતરમાં જ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કયાઁ બાદ સેવાકીય ઉદ્દેશ્યને આગળ ધપાવ્યો છે. જેના બીજા ચરણમાં પારડીના સુખેશ-રામપોર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 128 ગરીબ અને અનાથ વિદ્યાર્થીઓને નોટબુક, પેન, પેન્સિલ જેવી શૈક્ષણિક ચીજવસ્તુઓનું પુરી પાડી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રમુખ સહિત તમામ સભ્યોનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં એસોસિએશન ના પ્રમુખ જીતેન્દ્ર પાટિલ, સંજય શાહ, ખજાનચી રાજેશ યાદવ, યોગેન્દ્ર પટેલ, કેતન ભટ્ટ, હિમાંશુ પંડયા, કલ્પેશ પટેલ, મનીષ વર્મા હાજર રહ્યા હતા. જેઓએ આગામી સમયમાં સમાજ ઉપયોગી કાર્યો કરતા રહેવાની નેમ વ્યક્ત કરી હતી.
વાપીમાં પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલ પત્રકારોએ પત્રકાર-પરિવારના સભ્યોના કલ્યાણ માટે VPWA માન્યતાપ્રાપ્ત સંસ્થાની સ્થાપના કરી છે. ત્યારે, સંસ્થાના દરેક સભ્યો ક્રિકેટ ટુર્નામેન્ટ, શાળામાં નોટબુક વિતરણ જેવા કાર્યો સાથે પત્રકારોના પરિવારોના સુખદુઃખમાં, આર્થિક સંકડામણમાં, આરોગ્યની સેવામાં સહભાગી થઈ તેમને બનતી મદદ કરવા હંમેશા તત્પર રહેશે તો જ પત્રકાર વેલ્ફેર સૂત્ર સાર્થક થયું ગણાશે. આગામી દિવસોમાં આ સંસ્થા પત્રકારોના બાળકો માટે પણ જરૂરી મદદ પુરી પાડે તે આજના સમયની માંગ છે.
ઉલ્લેખનીય છે કે, વાપીમાં અને વલસાડ જિલ્લામાં હાલ પત્રકારો અને તેમના પરિવારના કલ્યાણાર્થે અન્ય પત્રકાર એસોસિએશન પણ ઉભા થયા છે. તો, આ પહેલા ઉભા થયેલા એસોસિએશનમાં મોટાભાગના માત્ર કાગળના વાઘ જ સાબિત થયા છે. ત્યારે હાલના આ એસોસિએશન કેટલા સફળ રહેશે અને કેટલા સેવાની ભાવના સાથે ટકશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે.