Friday, January 31News That Matters

વાપીમાં શ્યામજી કૃષ્ણ વર્મા ચોક નામાભીધાન સાથે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાનું કરાયું અનાવરણ

વાપીમાં કોપરલી રોડ પર પેપીલોન ચાર રસ્તા હવે શ્યામજી કૃષ્ણ વર્મા ચોક તરીકે ઓળખાશે. અહીં શ્રી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ અને વાપી નગરપાલિકાના સહિયારા પ્રયાસોમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા મુકવામાં આવી છે. ‘ભાનુશાલી ક્રાંતિવીર” પંડિત શ્યામજી કૃષ્ણવર્મા ની પ્રતિમાનું અનાવરણ રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાનુશાળી સમાજ સહિત અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

રવિવારના શુભદિને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ક્રાંતિવિર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ જ્યાં આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તે પેપીલોન ચોકડી ને આજથી શ્યામજી કૃષ્ણ વર્મા ચોક નામ આપવામાં આવ્યું હતું.

“ભાનુશાલી ક્રાંતિવીર’’ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા (નાખુઆ)નો જન્મ 04/10/1857ના માંડવી (કચ્છ) ખાતે થયો હતો. જેમણે પરદેશમાં રહીને આઝાદીની ચળવળ માં પોતાનું અનોખું યોગદાન આપ્યું હતું. જે અરસામાં સ્વીટ્ઝરલેન્ડના જીનીવા ખાતે તારીખ 30/03/1930ના અંતિમ શ્વાસ લીધા હતાં. જે સમયે તેમની અસ્થિ ભારતમાં તેમના વતન લાવવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

દેશ આઝાદ થયા બાદ પણ તેમના અસ્થિ સ્વીટ્ઝરલેન્ડના જીનીવા ખાતે સુરક્ષિત હતાં. જેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે ગુજરાત કચ્છના માંડવી ખાતે તેમના વતન લાવી અંતિમ ઈચ્છા પૂર્ણ કરી હતી. તેમજ તેમના વતન માંડવી ખાતે ભવ્ય મેમોરિયલ બનાવી તેને ક્રાંતિતીર્થ નામ આપી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

ત્યારે દેશના આ પનોતા પુત્રની પ્રતિમાનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વાપીમાં અનાવરણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતાં. તેમજ જ્યાં આ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે. તે ચોકને શ્યામજી કૃષ્ણ વર્મા ચોક નામ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પનોતા પુત્રની એક પ્રતિમા વાપીમાં પણ મુકવામાં આવે તેવી માંગ વાપીમાં વસતા ભાનુશાલી સમાજની હતી. જે આજે રાજ્યના નાણાપ્રધાન હસ્તે અનાવરણ કરાવી પુરી કરી છે.

ક્રાંતિવિર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાના અનાવરણ પ્રસંગે વાપી નગરપાલિકાના પ્રમુખ કશ્મીરા શાહ, VIA પ્રમુખ સતિષભાઈ પટેલ, શ્રી ભાનુશાલી મિત્રમંડળ ટ્રસ્ટ વાપીના પ્રમુખ અરવિંદભાઈ દેવજીભાઈ ભાનુશાલી, ચીફ ઓફિસર શૈલેષ બી. પટેલ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈ, જાહેર બાંધકામ સિમિતિના ચેરમેન જયેશભાઈ કંસારા, ભૂતપૂર્વ નગરસેવક હંસરાજ કલ્યાણજી કટારમલ, વોર્ડ નમ્બર 4ના નગરસેવક શીલાબેન મુરજી કટારમલ, ચણોદ ગ્રામપંચાયતના સભ્ય વોર્ડ હંસરાજ ખાનીયા, પૂર્વ VIA પ્રમુખ પ્રકાશભાઈ ભદ્રા, શ્રી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ, વાપીના ટ્રસ્ટીઓ તથા કારોબારી કમિટી અને શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક સમિતીના સભ્યો ઉપરાંત અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *