Friday, January 31News That Matters

લો બોલો! સંજાણ ROBનો ઠેકો લેનાર ઠેકેદાર સામે તો, ઉજ્જૈન કલેકટરે ગંભીર બેદરકારી બદલ કાર્યવાહી કરી હતી.

વલસાડ જીલ્લાનાં સંજાણ ખાતે પૂર્ણ થવાના આરે પહોંચેલા રેલવે ઓવરબ્રિજના સ્લેબનો કોંક્રીટ ભાગ તુટવા સાથે મસમોટું ગાબડું પડ્યું છે. બ્રિજ પરની આ ઘટનાએ બ્રિજની કામગીરી પર શંકા ઉભી કરી છે. કેમ કે, સંજાણ ROB નો ઠેકો લેનાર શ્રી મંગલમ બિલ્ડકોન (ઈ) પ્રા.લી. નામની ખાનગી કંપની સામે આવી જ બેદરકારી બદલ ઉજ્જૈન કલેકટર કલમ 187 હેઠળ કાર્યવાહી કરી ચુક્યા છે.

પશ્ચિમ રેલવેનાં સંજાણ રેલવે ક્રોસિંગ નંબર નાં ઈન્ડિયન રેલવે ચેઈનેજ 149 22- 24 પર નિમાર્ણ કરવામાં આવેલા રેલવે ઓવરબ્રિજના પોપડા પડતા અને ડામર સહિતનો 35 ફૂટ જેટલો ભાગ બેસી જતા ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર કોર્પોરેશન ઈન્ડિયા લી. (DFCCIL) દ્વારા સંજાણ ના ROB ને લઈ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે. આ બ્રિજના ઠેકેદારો સામે ઉજ્જૈનના કલેકટરે પણ બ્રિજની કામગીરીમાં ગંભીર બેદરકારી બદલ કાયદેસરની કાર્યવાહી કરી હોવાની વિગતો હાલ પ્રકાશમાં આવી છે.

આ રેલવે ઓવરબ્રિજની ઠેકેદારી શ્રી મંગલમ બિલ્ડકોન (ઈ) પ્રા.લી. નામની ખાનગી કંપની પાસે છે. આ કંપનીનાં ડિરેક્ટરો અનુક્રમે ભરતકુમાર ટી. પટેલ, હસમુખભાઈ જી. પટેલ, દિનેશકુમાર જી. પટેલ, રૂષિકુમાર બી. પટેલ છે. કંપનીની સ્થાપના એપ્રિલ 2011 માં ભાગીદારી પેઢીથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ 23મે 2019 માં પ્રા.લી.માં રૂપાંતરીત થઈ હતી. આ કંપની હાલમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વિગેરે જેવાં રાજ્યોમાં બ્રિજ બનાવવાનું કામ કરતી હોવાનું જાણવાં મળ્યું છે. કંપની મધ્યપ્રદેશ સરકાર સાથે -A- વર્ગ અને ગુજરાત સરકાર સાથે -AA- વર્ગની શ્રેણીમાં નોંધાયેલ હોવાનું પણ જણાંયુ છે.

આ જ કંપનીએ વર્ષ 2020માં મધ્યપ્રદેશનાં ઉજ્જૈનનાં તરાના વિસ્તારની કાલીસિંધ નદી પરના પુલનું ટેન્ડર ભરી કામ લીધું હતું. તે સમયે નિર્માણાધીન પુલનો કેટલોક હિસ્સો તુટી પડ્યો હતો. જેમાં, છ જેટલા મજુરો ઘાયલ થયાં હતાં, ઉજ્જૈનથી 35 કિમી દુર ઈન્દોર – કોટા માર્ગ પરનાં પુલ પરની આ ઘટના હતી. જેના બાંધકામની ઠેકેદારી મધ્યપ્રદેશ રાજ્ય સેતુ નિર્માણ નિગમ લિમિટેડ દ્વારા શ્રી મંગલમ બિલ્ડકોન (ઈ) પ્રા.લી. નામની કંપનીને આપવામાં આવી હતી.

સ્લેબ તૂટી પડવાની આ ઘટનામાં તે સમયે, ઉજ્જૈન કલેક્ટરે એવું જણાવ્યું હતું કે, તપાસ કરતાં બાંધકામ સાઈટ પર અમને બેદરકારી જોવાં મળી હતી. અમે પોલીસને આ કંપની સામે કાયદેસરના કેસ કરવાં આદેશ આપ્યો છે. ઉજ્જૈન કલેક્ટરે ફરજમાં બેદરકારી બદલ PWD ના સાઈટ ઈજનેરને સસ્પેન્ડ કરી દીધાં હતાં. ઠેકેદારો વિરૂધ્ધ કામમાં બેદરકારી બદલ IPC કલમ 287 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વલસાડ કલેકટર અને DFCCIL ના અધિકારીઓ પણ સંજાણ રેલવે ઓવરબિજમાં પડેલાં ગાબડાંની બેદરકારી બદલ યોગ્ય તપાસ કરે તે જરૂરી છે. જો તેમાં ક્ષતિ જણાય તો શ્રી મંગલમ બિલ્ડકોન (ઈ) પ્રા.લી. નાં ડિરેકટરો (ઠેકેદારો) વિરૂધ્ધ કામમાં બેદરકારી બદલ કાર્યવાહી કરવી જોઈએ તેવું જાણકાર લોકોનું માનવું છે. પરંતુ હાલ તો સંજાણ બ્રિજમાં પડેલું ગાબડું જાણે કોઈ મોટી ઘટના ના હોય તેમ સ્થાનિક નેતાઓ જ ઠેકેદાર ને છાવરવા ધમપછાડા કરી રહ્યા છે. જો આ બ્રિજની કામગીરીની ખરી તપાસ કરવામાં ચૂક રાખી આવાગમન માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. અને તે દરમ્યાન કોઈ અઘટિત ઘટના બનશે તો ત્યારે થનારી માનવ ખુવારીની જવાબદારી કોણ લેશે?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *