Friday, January 31News That Matters

દમણના દરિયા કિનારે બીપરજોયની નહિવત અસર, સહેલાણીઓ દરિયામાં મહાલતા જોવા મળ્યા

હવામાન વિભાગે ગુજરાત સહિત દમણના દરિયા કાંઠા વિસ્તારમાં બીપરજોય વાવાઝોડું ટકરાવાની શકયતા વ્યક્ત કર્યા બાદ ગુજરાતના દરિયા કાંઠે વાતાવરણમાં પલટો આવ્યો છે. પરંતુ, દમણના દરિયા કાંઠે હજુ સુધી દરિયો નોર્મલ છે. અહીંના બીચ પર સહેલાણીઓ માટે કોઈ પાબંધી ના હોય સહેલાણીઓ દરિયાના ઉછળતા મોજામાં મહાલતા જોવા મળ્યા હતાં.

બીપરજોય વાવાઝોડાની કોઈ જ હલચલ હાલ દમણના દરિયા કિનારે જોવા મળી નથી. દમણ પ્રશાસન દ્વારા સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરીયો નહિ ખેડવા સૂચન કર્યું છે. જ્યારે બીચ પર કોઈ જ પાબંધી ના હોય સહેલાણીઓ મન મુકીને મોજ માણી રહ્યા છે.

મુંબઈથી 600 કિલોમીટર દૂર બીપરજોય વાવાઝોડું ધીરે ધીરે દમણ, ગુજરાતના કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. જે એકાદ બે દિવસ બાદ દરિયાકાંઠા પર ટકરાવાનું હોય વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે. જો કે, જે રીતે ગુજરાતના કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં તંત્રએ બીચ પર પાબંધી લગાવી એલર્ટ જાહેર કર્યું છે. તેવી કોઈ જાહેરાત દમણ પ્રશાસન દ્વારા કરવામાં આવી નથી.

દમણના જામપોર બીચ, દેવકા બીચ પર સહેલાણીઓ દરિયાના ઊછળતા મોજામાં મજા કરી રહ્યા છે. દમણના દરિયા કાંઠે હજુ સુધી દરિયો નોર્મલ સ્થિતિમાં છે. પવનની સામાન્ય ગતિમાં વધારો જરૂર થયો છે. પરંતુ વાવાઝોડાને પગલે કોઈ અસર જોવા મળી નથી. દમણ પ્રશાસન તરફથી મળતી વિગતો મુજબ માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના આપી છે. બીચ પર કોઈ પાબંધી લગાવી નથી. પરંતુ સાવચેતીના ભાગ રૂપે પ્રશાસનની અને ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.

હવામાન વિભાગની સૂચના મુજબ ટિમ તૈયાર કરી દરિયા કાંઠાના બીચ પર સાવચેતી રખાઈ રહી છે. દરિયામાં હજુ વાવાઝોડાને લઈ કોઈ અસર વર્તાઈ નથી. દમણમાં ચોમાસા દરમિયાન દરિયામાં 6 મીટર સુધીના મોજા ઉછળતા હોય છે. જે સામાન્ય છે. જે મુજબ હાલમાં 3 મીટર સુધીના મોજા ભરતી સમયે ઉછળી રહ્યા છે.

પ્રશાસનના અધિકારીઓનું માનીએ તો આગામી બે દિવસ બાદ કદાચ જો વાવાઝોડું તેની દિશા બદલશે તો જ દમણના દરિયા કિનારે તેની અસર વર્તાશે. હવામાન વિભાગે વરસાદની પણ આગાહી કરી છે જો કે, દમણના દરિયા કિનારે હાલ તો વાવાઝોડાને લઈ કોઈ જ અસર જોવા મળી નથી. જેને લઈને તંત્ર સાવચેતી રૂપે જરૂરી પગલાં સાથે નિશ્ચિન્ત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *