Friday, January 31News That Matters

વાપી નોટિફાઇડ COના પ્રયાસો અને ચીફ એન્જીનીયર-ડિરેકટર બી. સી. વારલીની દીર્ઘદ્રષ્ટિ હેઠળ 4.83 કરોડના ખર્ચે બનેલા ફાયર સ્ટેશન, ફાયર કવાટર્સનું નાણાપ્રધાનના હસ્તે લોકાર્પણ

વાપીમાં આગ જેવી હોનારત સમયે મદદરૂપ બનતા ફાયર જવાનો માટે આધુનિક કવાટર્સ અને ફાયર સ્ટેશનની તાતી જરૂરિયાત હતી. જેને ધ્યાને રાખી અંદાજિત 4.83 કરોડના ખર્ચે બનેલા ફાયર સ્ટેશન અને ફાયર કવાટર્સનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ નોટિફાઇડ એરિયા ઓથોરિટીના ચીફ એન્જીનીયર અને ડિરેકટર બી. સી. વારલીની ઉપસ્થિતિમાં લોકર્પણ કર્યું હતું.

વાપી GIDC માં નોટિફાઇડ એરિયા ઓથોરિટી હસ્તક 2 ફાયર સ્ટેશન છે. યુનિટ-1 અને યુનિટ-2 ના આ ફાયર સ્ટેશન અને કવાટર્સ જર્જરિત હોય યુનિટ 1 ના જર્જરિત ફાયર સ્ટેશન, કવાટર્સના સ્થાને 4.83 કરોડના ખર્ચે બનેલા અદ્યતન ફાયર સ્ટેશનનું શનિવારે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ અદ્યતન ફાયર સ્ટેશન અને કવાટર્સ અંગે વાપી નોટિફાઇડ ચીફ ઓફિસર ડી.બી. સગરે જણાવ્યું હતું કે, યુનિટ વન પાસે કુલ 10 હજાર સ્કેવર ફિટ જગ્યા છે. જેમાંથી 6 હજાર સ્કેવર ફીટમાં આ અદ્યતન બ્રિટિશ લુક સાથેનું ફાયર સ્ટેશન, ફાયર કવાટર્સ અને ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 4.83 કરોડ ખર્ચે નિર્મિત આ પ્રકલ્પમાં CCTV કેમેરા કન્ટ્રોલ રૂમની અત્યાધુનિક સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં વાપી વિસ્તારના તમામ CCTV કેમેરા આવરી લેવામાં આવ્યા છે. જેથી કોઈપણ પ્રકારની ઇમર્જન્સી વખતે કે વરસાદી સીઝનમાં ફાયર જવાનોને ઘટના સ્થળે મોકલવામાં સુગમતા રહેશે.

નોટિફાઇડ હસ્તકના 2 ફાયર સ્ટેશનમાં કુલ 56 ફાયર જવાનોનો સ્ટાફ કાર્યરત છે. જેમાં યુનિટ 1 પર 32 ફાયર જવાનો ફરજ બજાવે છે. યુનિટ 1 માં હાલ 5 ફાયર વ્હિકલ છે. જેને પણ આધુનિક બનાવી તેમાં પણ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી દરેક આગની ઘટના સમયે ફાયર વાહન જાય ત્યારે આગ કેટલી વિકરાળ છે. તેને બુઝાવવા કઈ રીતે કામગીરી કરી શકાય તેનું માર્ગદર્શન ફાયર ઓફિસર કન્ટ્રોલ રૂમમાં બેસીને જ આપી શકશે. નવા ફાયર સ્ટેશનમાં જવાનો માટે રેસ્ટ રૂમ, ડાઇનિંગ રૂમ ઉપરાંત માઇનોર ઇન્જરીની ઇમર્જન્સી ટ્રિટમેન્ટ માટે મેડિકલ રૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ અદ્યતન ફાયર સ્ટેશનમાં સોલાર પેનલ પણ ગોઠવવામાં આવી છે. વીજ વિક્ષેપ નિવારવા DG સેટની વ્યવસ્થા છે. આગામી દિવસોમાં ફાયર સ્ટેશનને વધુ સુવિધાસજ્જ બનાવવા 7 કરોડના ખર્ચે વધુ 3 ફાયર વાહનો વસાવવામાં આવશે. જેમાં એક હાઇડ્રોલીક ફાયર વાહન હશે. જેના દ્વારા 100 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકશે. સાંકડી ગલીઓમાં બનતી આગની ઘટના માટે મીની ફાયર, વોટર બ્રાઉઝરનો ઓર્ડર અપાયો છે. જે ડિસેમ્બર સુધી માં આવી જશે.

વધુમાં ચીફ ઓફિસર ડી. બી. સગરે જણાવ્યું હતું કે, વાપી મોટી ઔદ્યોગિક નગરી છે. અહીં અવારનવાર આગ ના બનાવો બને છે. જે માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સ્થાપવાની તાતી જરૂર છે. જે અંગે પણ નાણાપ્રધાન સમક્ષ રજૂઆત કરી છે. જે માંગ વહેલી તકે પૂર્ણ કરવાની નાણાપ્રધાને ખાતરી આપી છે. તો, ફાયર NOC માટે સુરત સુધી જવું પડતું હોય તેનું કેન્દ્ર પણ વાપીને મળે તેવી રજુઆત કરતા તે અંગે પણ આગામી દિવસમાં VIA સાથે મળી પ્રયાસ કરવામાં આવશે.

નવા ફાયર સ્ટેશન ના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા નોટિફાઇડના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને ડિરેકટર બી. સી. વારલીએ જણાવ્યું હતું કે, ફાયર સ્ટેશની રજુઆત જ્યારે તેમના સમક્ષ મુકવામાં આવી ત્યારે વિના વિલંબે તેની મંજૂરી આપવામાં આવી હતી. વાપી નોટિફાઇડ આવા બીજા વિકાસલક્ષી કામ માટે રજુઆત કરશે તો તે પણ વહેલી તકે પુરી પાડવામાં આવશે.

ફાયર સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે કનુભાઈએ તમામને અભિનંદન પાઠવી ઉત્તમ સેવા પૂરી પાડનાર ફાયર જવાનોને બિરદાવ્યા હતાં. તેમજ અન્ય સુવિધાઓ પણ વહેલી તકે પુરી પાડવાની ખાતરી આપી હતી. કાર્યક્રમમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન માં પ્રમુખ સતીશ પટેલ સહિત સભ્યો, VGEL ના ડિરેક્ટરો, નોટિફાઇડ, GIDC ના અધિકારીઓ, ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તમામે નવા બનેલા ફાયર સ્ટેશનમાં ઉભી કરેલી સુવિધાઓને નિહાળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *