શુક્રવારે દમણગંગા નદી પાસે પશ્ચિમ વિભાગમાં પાણીમાં પથરાયેલ જળકુંભીના વેલાઓથી બનેલા દલદલમાં એક ગાય ફસાઈ ગઈ હતી, જેને આશરે બે કલાકની મહામહેનતે વર્ધમાન શાહ, હિતેશ રાઠોડ, દિલીપ ગોન્ડ અને વાપી નોટીફાઇડ જી આઇ ડી સી ફાયર વિભાગ ટીમ ના તરવૈયા દ્વારા સાવધાની પૂર્વક કાઢી લઈ જીવ બચાવી લીધો હતો.
દમણગંગા નદી કિનારે માછલી પકડવા ગયેલા લોકોને એક ગાય જળકુંભીના વેલામાં જકડાયેલા વિસ્તાર માં ફસેલી નજરે ચઢી હતી. જે નીકળવાની કોશિશ કરી રહી હતી પણ નીકળી શકતી નહોતી. જે ગરમીના કારણે ચાલવામાં અસમર્થ જણાઈ રહી હતી. આ અંગે વાપી ના એનિમલ રેસક્યુના વર્ધમાન શાહ ને જાણ કરતા તેઓ હિતેશ રાઠોડ સાથે ત્વરીતે ઘટના સ્થળે પહોંચી જોતા ગાય ગંભીર રીતે ફસાઈ હતી.
જેને કાઢવામાં વધુ જોખમ જણાતા તરત જ વાપી નોટીફાઇડ GIDC ફાયર ટીમ નો સંપર્ક કર્યો હતો, ફાયર ટીમ અને જીવદયા પ્રેમીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી જળકુંભીના વેલાઓમાં ફસાયેલી ગાય ને લગભગ બે કલાક ની મહામહેનતે સુરક્ષિત બહાર કાઢવામાં સફળ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, બંધિયાર નદી નાળાના કે ખનકીના પાણીમાં ઉગતી જળકુંભી નામની આ વનસ્પતિ પાણીના જળચર જીવો માટે આફત સમાન છે. મૂળ એમેઝોન પ્રદેશની અને હાલમાં પુરા વિશ્વમાં જોવા મળતી જળકુંભી (water hyacinth), (Eichhornia crassipes) પાણીમાં તરવાવાળો વેલાનો છોડ છે. જે પાણીમાં રહેલો ઓક્સીઝન ખેંચી લે છે. જેનાથી માછલીઓ સાહિતમાં જળચરો મરી જાય છે. બંગાળમાં સૌથી વધુ ફેલાયેલ આ જલકુંભીની આફતને બંગાળનો આતંક (Terror of Bengal) ગણવામાં આવે છે.