વાપી :- મોદી સરકારના સફળતાનાં 9 વર્ષની હાલ ભાજપ વિશેષ જનસંપર્ક અભિયાન હેઠળ ઉજવણી કરી રહ્યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં વલસાડ જિલ્લા ભાજપ દ્વારા વલસાડ-ડાંગ ના સાંસદ કે. સી. પટેલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ નું આયોજન કરી ભાજપ સરકારની વિકાસ ગાથા રજૂ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારે સફળતાપૂર્વક નવ વર્ષ સેવા, સુશાશન, ગરીબ કલ્યાણના પૂર્ણ કર્યા છે. જે અનુસંધાને “વિશેષ જનસંપર્ક અભિયાન” કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વલસાડ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ મોદી સરકારની 9 વર્ષની વિકાસ ગાથા રજૂ કરી હતી.
તો આગામી બે ત્રણ દિવસમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનાર વાવાઝોડા અંગે ગુજરાત સરકાર કેટલી સજ છે તેના જવાબમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગત મે ના અંતમાં વાવાઝોડું આવ્યું હતું તે સમયે સૌરાષ્ટ્ર કચ્છમાં 12000 વીજ પોલ ધરાશાયી થયા હતા. 400 ટ્રાન્સફોર્મર બળી ગયા હતા છતાં પણ 48 કલાકમાં ગુજરાતમાં તમામ જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો યથાવત કર્યો હતો. ગત વર્ષના વાવાઝોડામાંથી લેસન લઈ ગુજરાત સરકારે આ વાવાઝોડા સામે લડવા જરૂરિયાત મુજબનો તમામ મટીરીયલ નો સ્ટોક કરી રાખ્યો છે. આપાતકાલીન કામગીરી માટે ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. મુખ્યમંત્રી એ પણ વિશેષ મિટિંગ યોજી તમામ ટીમ ને એલર્ટ રહેવા સૂચના આપી છે.
વાપી નજીક ટુકવાડા ખાતે અવધ ઉટોપિયાના મેરિગોલ્ડ હોલમાં સાંસદ કે.સી. પટેલ, પ્રભારી એમ. એસ. પટેલ, રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજિત પત્રકાર પરિષદમાં કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2014થી મોદી સરકારના નેતૃત્વમાં ભારતે તેમની વિદેશનીતિમાં, આર્થીકનીતિ માં ધરખમ ફેરફાર કર્યા છે. વિશ્વ શાંતિ માટે સમગ્ર વિશ્વ હાલ ભારત તરફ મીટ માંડીને બેઠું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને એક નવી ઓળખ અપાવી છે. ભારતનો અવાજ સમગ્ર વિશ્વ સાંભળી રહ્યું છે. વડાપ્રધાનને જે રીતે દેશના લોકોએ 2014 થી અત્યાર સુધી સહકાર આપ્યો છે તેવો જ સહકાર 2047 સુધી આપશે તો ભારત વિશ્વનું પ્રથમ રાષ્ટ્ર બનશે.
પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લામાં દર વર્ષે ચોમાસામાં કપરાડા, ધરમપુર, ઉમરગામ જેવા તાલુકામાં અનેક ગામો સંપર્ક વિહોણા બને છે. ગામ-ફળિયાને જોડતા અનેક લો લેવલના બ્રિજ પર પુરના પાણી ફરી વળતા ગામડાઓ સંપર્ક વિહોણા બને છે. વર્ષોથી આ સમસ્યા દર ચોમાસે સર્જાતી આવી છે. 9 વર્ષમાં ભાજપ સરકારે અનેક ગણો વિકાસ કર્યો છે તો આ સમસ્યાનું નિરાકરણ ક્યારે થશે. તેના જવાબમાં કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લો હાલ નંબર વન જિલ્લો બન્યો છે. આ જિલ્લામાં ધરમપુર, કપરાડા જેવા તાલુકાઓથી માંડીને સમગ્ર જિલ્લામાં ખૂબ જ સારો વિકાસ થયો છે. સ્મશાન, શાળાએ જવા માટેના રસ્તાઓની સમસ્યાઓનું નિરાકરણ લાવી આવા રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા છે. હજુ પણ જે રસ્તાઓના કામ બાકી છે તે પણ વહેલી તકે પુરા કરવાની ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ પત્રકાર પરિષદમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં નહીં પણ વિશ્વમાં ભારતનું સ્થાન વધી રહ્યું છે. મોદી સરકાર હાલ જે ખાડો અધૂરો હતો તે ખાડો પુરીને ભારતને આગળ વધારી રહી છે. આજની આ પત્રકાર પરિષદ સાંસદ ડૉ. કે. સી. પટેલની અધ્યક્ષતામાં હોય તેમની આગેવાનીમાં વલસાડ જિલ્લામાં થયેલા વિકાસના કામોની રૂપરેખા આપી હતી. તો એ સાથે જ ડાંગ જિલ્લાના બે કોંગ્રેસી સભ્યોને આજના આ દિવસે ભાજપમાં આવકારી ખેસ પહેરાવ્યો હતો.
પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લાના પ્રભારી એમ. એસ. પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા, જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ સાહિત પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના ઉપાધ્યક્ષા ઉષાબેન પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.