8 મી જૂનના વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલી કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ ખાતે ડિસ્ટ્રીક્ટ ક્રાઈસીસ ગૃપ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઇ શકે તેનો લાઈવ સિનારિયો ઉભો કરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓના કારણે ઊભી થતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે સમયાંતરે મોકડ્રીલ યોજવામાં આવે છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને વલસાડ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય દ્વારા કોરોમંડલ ઇન્ટરનેશનલ લિ., સરીગામ ખાતે ઑફ સાઈટ ઇમરજન્સી પ્લાનનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
ફેક્ટરીમાં રહેલા અમોનિયા ગેસ ટેન્કની પાઇપની ફ્લૅજમાંથી અમોનિયા ગેસ લીકેજ થતા તેને કંટ્રોલ કરવા માટે કોરોમંડલ ઇન્ટરનૅશનલ લિ. ની જુદી જુદી ટિમો દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ અમોનિયા લીકેજનું પ્રમાણ લિમિટ કરતા વધારે માત્રામાં હોવાથી ઓન સાઈટ ઇમરજન્સી કંટ્રોલમાં ન આવતા કારખાનાંના સાઈટ મેઈન કંટ્રોલર દ્વારા ઑફ સાઈટ ઇમરજન્સી જાહેર કરી ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરતા ડિસ્ટ્રિક્ટ ક્રાઈસીસ ગ્રુપ વલસાડ હરકતમાં આવી કોરમંડલ ખાતે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેટિવ ટીમ, પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ પહોંચી અમોનિયા લીકેજને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો અને સ્થિતિને સંપૂર્ણ કાબુમાં લીધી હતી.
આ મોકડ્રીલ કારખાનાઓમાં થતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે કારખાનાઓનું અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને તેમજ ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરીને ઇમરજન્સી સ્થિતિને કેવી રીતે પહોંચી વળવું તેના અભ્યાસના ભાગ રૂપે કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં જિલ્લામાં પ્રથમ વાર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લાઈવ પ્રસારણથી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ વર્ચ્યુઅલી હાજર રહી સંપૂર્ણ મોકડ્રીલની ગતિવિધિઓ નિહાળી ઇમરજન્સીને કાબુમાં લેવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.
આ મોકડ્રીલનું અતુલ કંપનીના નિવૃત્ત સેફટી ઓફિસર રવિન્દ્રભાઈ આહિરે ઓબ્ઝર્વેશન કરી મોકડ્રીલના અંતે યોજાયેલી રિવ્યુ બેઠકમાં તેમના સૂચનો રજૂ કર્યા હતા અને એકંદરે આ મોકડ્રીલ સફળ રહી હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્રમાંથી વલસાડના ડી.વાય.એસ.પી આર.ડી.ફળદુ, વાપીના ડી.વાય.એસ.પી બી.એન.દવે, વાપી GIDC પી.આઈ વી.જી.ભરવાડ અને તેમની ટીમ, ઉમરગામ મામલતદાર આર.આર.ચૌધરી અને તેમની ટીમ, સરીગામ જી.પી.સી.બીના આર.ઓ એ.ઓ.ત્રિવેદી અને તેમની ટીમ, માહિતી ખાતાના ઈન્ચાર્જ સિનિયર સબ એડિટર અક્ષય દેસાઈ અને તેમની ટીમ તેમજ વલસાડ જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક એમ. સી. ગોહિલ અને તેમની ટીમ દ્વારા મોકડ્રીલનું આયોજન, સંકલન અને સંચાલન કરવામાં આવ્યું હતું.