વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં રવિવારે વાપીમાં સ્ટ્રીટસ ફોર ઑલ નામનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જે અબાલ-વૃદ્ધ સૌ કોઈ માટે નોખો અનોખો હતો. કેમ કે આજે શેરી-ગલીમાં રમાતી પરંતુ મોબાઈલ યુગમાં ભુલાઈ ગયેલી રમતોને યાદ કરી વાપીના 20,000 જેટલા શહેરીજનોએ વિવિધ શેરી રમતો, ફ્યુઝન ડાન્સ, મ્યુઝિક, રાસ ગરબા નો આનંદ માણ્યો હતો.
વાપીના ગુંજન વિસ્તારમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, વાપી નોટિફાઇડ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સેવાભાવી, રોટરી જેવી સંસ્થાઓએ street for all ના અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથેના આ કાર્યક્રમમાં અંદાજિત 20 હજાર લોકો જોડાયા હતાં. કાર્યક્રમમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ પોતે પણ ડ્રમ સર્કલ ઇવેન્ટમાં ભાગ લઈ ડ્રમ વગાડવા નો આનંદ ઉઠાવ્યો હતો.
આ અનોખા કાર્યક્રમ અંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વિશ્વ પર્યાવરણના ઉપલક્ષમાં આયોજિત આ કાર્યક્રમમાં વાપી પર્યાવરણમય બન્યું છે. સ્ટ્રીટ્સ ફોર ઑલ કાર્યક્રમનું આયોજન પર્યાવરણ પ્રત્યે લોકો જાગૃત કરવાનો કાર્યક્રમ છે. જેમાં જીપીસીબી, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સેવાભાવી સંસ્થાના સહયોગથી વાપીના શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા છે. આવા કાર્યક્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 2070 માં પર્યાવરણ ક્ષેત્રે ઝીરો કાર્બન લાવવાનું સ્વપ્ન સાકાર કરવામાં અનેક ઘણો ફાયદો થશે
કાર્યક્રમ અંગે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે, સ્ટ્રીટસ ફોર ઑલ નું આ પાંચમું એડિશન છે. જેમાં દરેક સરકારી એજન્સીઓ, NGO નો સહયોગ પ્રાપ્ત થયો છે. પર્યાવરણની જાગૃતિ સાથે શહેરના બાળકો, વડીલોએ પોતાની શેરીની એ ભૂલયેલી અવનવી રમતો રમી છે. આ કાર્યક્રમમાં 20 હજાર થી 25000 લોકો જોડાયા છે. જે સરકારના મિશન લાઈફના સ્વપ્નને ફળીભૂત કરતા જોવા મળ્યા હતાં.
Streets For All ના આ કાર્યક્રમમાં વાપીના શહેરીજનોએ ગલીની એ ભુલાયેલી રમતો રમી હતી. જે આજના મોબાઈલ યુગમાં સાવ ભુલાઈ ગઈ છે. ગુંજન વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમમાં સેલ્ફી પોઈન્ટ, યોગાસન, ગીલ્લી દંડા, આંધળો પાટો, હિન્દી ફિલ્મી ગીતો પર ડાન્સ સહિત વિવિધ થીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેટલાય યુવાનો અને યુવતીઓએ પોતાનું કૌવત બતાવવા રસ્સાખેચ માં ભાગ લઇ તાકાતનો પરચો બતાવ્યો હતો. તો ગાયકી અને નૃત્ય ક્ષેત્રે પોતાના જાદુ પાથરતા યુવાનોએ અને કોરિયોગ્રાફરે ડીજેના તાલે અબાલ વૃદ્ધ સૌકોઈને નચાવતા હતા. કોઈ કેરમ ઉસ્તાદ કેરમ રમ્યો હતો. તો ક્યાંક સટોળીયું, લ્યુડો, cube solution રમતા બાળકો સાથે કોઈ બાળક શતરંજમા માત આપતો નજરે પડ્યો હતો. યુવાનો અને યુવતિઓ ફ્યુઝન ડાન્સ સાથે રાસ ગરબા, દાંડિયા રમતા હતા. તો બાળકો સાથે મોટેરાઓ પણ પાટીયા ચાલ અને દોરડા પાટિયા ચાલ અને દોરડા કુદ, કોથળા રેસમાં મશગુલ બન્યા હતાં.
આ અદભુત કાર્યક્રમ અંગે વાપીવાસીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનો સમયાંતરે થતાં રહેવા જોઈએ જેથી ભુલાયેલી રમતો અને સંસ્કૃતિનું જતન થઈ શકે. જેઓને આ કાર્યક્રમ મુંબઈ ગોવામાં થતા કાર્યક્રમોથી પણ વધુ સુંદર લાગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રવિવારે ગુંજનના વંદે માતરમ ચોક થી રેમન્ડ સર્કલ સુધીનો માર્ગ શેરી રમતોનો માર્ગ બન્યો હતો. જેમાં વાપીના 20 હજારથી વધુ શહેરીજનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. અબાલ વૃદ્ધ સૌ કોઈએ આજના મોબાઈલ યુગમાં ભુલાયેલી પ્રાચીન-અર્વાચીન રમતો રમી શારીરિક તંદુરસ્તી મેળવવા સાથે પર્યાવરણની જાગૃતિમાં પોતાનો અનોખો સહયોગ પૂરો પાડ્યો હતો. કાર્યક્રમમાં વાપીના ઉદ્યોગકારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ આજના દિવસની શુભ શરૂઆત બિઝનેસ ડીલ ને બદલે બાળપણની રમતો રમીને કરી હતી.