Friday, January 31News That Matters

વાપીમાં માથાભારે રીક્ષા ચાલકે મહિલા સાથે કર્યું અભદ્ર વર્તન, જુઓ પછી પોલીસે રીક્ષા ચાલકને કેવો પાઠ ભણાવ્યો?

વાપીમાં મહિલા સાથે અભદ્ર ટિપ્પણી કરનાર માથાભારે રીક્ષા ચાલક સામે પોલીસે કાયદાનો દંડો ઉગામી બરાબરનો પાઠ ભણાવ્યો છે. આ ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપી રેલવે સ્ટેશને એક મહિલા સાથે ગીતાનગર ના માથાભારે રીક્ષા ચાલકે ગેરવર્તન કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. જેનો વિડિઓ વાયરલ થતા વાપી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રીક્ષા ચાલકને ધાક બેસાડતો પાઠ ભણાવ્યો છે.

આ અંગે વાપી ટાઉન પોલીસે આપેલી વિગતો મુજબ વાપી રેલવે સ્ટેશને સેલવાસની એક રીક્ષા ચાલક મહિલા પોતાના પારિવારિક સભ્યને લેવા આવી હતી. તે દરમ્યાન તેમણે રેલવે સ્ટેશન સામે પોતાની રીક્ષા પાર્ક કરી હતી. જ્યાં વાપી ગીતાનગરમાં રહેતા અને રીક્ષા ચલાવતા આરીફ સૈયદ ઉર્ફે માંજરાએ મહિલા સાથે ગેરવર્તન કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કરી દાદાગીરી કરી હતી. આ સમગ્ર ઘટનાનો ભોગ બનનાર મહિલાએ વિડિઓ ઉતારી વાયરલ કરવા સાથે પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

આ ફરિયાદ આધારે વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર વી. બી. બારડે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ ટીમ મોકલી રીક્ષા ચાલકને દબોચી લીધો હતો. જે બાદ તેને ઉઠક બેઠક કરાવી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર રીક્ષા ચાલક આરીફને LCB એ વાપી ટાઉન પોલીસના હવાલે કર્યો હતો. જ્યાં ટાઉન પોલીસ ઇન્સ્પેકટર સી. બી. ચૌધરીના માર્ગદર્શનમાં પોલીસ જવાનોએ ગીતા નગર ચોકી ખાતે જાહેરમાં રીક્ષા ચાલકને ઉઠક બેઠક કરાવી ફરી કોઈ રીક્ષા ચાલક સાથે કે મહિલા સાથે આવું અભદ્ર વર્તન કરે નહિ તે માટે માફી મંગાવી કડક કાર્યવાહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર રીક્ષા ચાલક આરીફ માથાભારે શખ્સ છે. આ પહેલા પણ તેમણે અન્ય રીક્ષા ચાલકો સાથે તેમજ મુસાફરો સાથે આ પ્રકારે દાદાગીરી કરી છે. આરીફ ગીતાનગરમાં રહેતા અને ચોરી-ચપાટી કરતા ક્લલું નામના ઇસમની ગેંગનો સભ્ય હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે આ માથાભારે શખ્સ સામે કાયદાનો દંડો ઉગામી ધાક બેસાડતી કાર્યવાહી કરતા અન્ય રીક્ષા ચાલકો, મુસાફરોએ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *