કેન્દ્રશાસિત પ્રદેશ દમણ જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ નવા પ્રમુખ – ઉપપ્રમુખ ચૂંટવામાં આવ્યા છે. આ ચૂંટાયેલા નવા પ્રમુખ જાગૃતિબેન પટેલ અને ઉપપ્રમુખ બાબુભાઈ પટેલે સોમવારે વિધિવત પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. જેઓને દમણ સાંસદ સહિત પંચાયત ના સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
દમણ જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા પ્રમુખ જાગૃતિબેન કલ્પેશભાઈ પટેલે આજે તેમના કાર્યાલયમાં શ્રી મંગલમૂર્તિ ગણેશજીનું પૂજન કર્યા બાદ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રમુખ જાગૃતિબેનને શુભકામનાઓ પાઠવી હતી,
તો બીજી તરફ ઉપપ્રમુખ નો પદભાર સંભાળનાર બાબુભાઈ પટેલે પણ પ્રમુખને શુભકામના પાઠવી હતી. તેમણે સવારે ઓફિસમાં પૂજા કર્યા પછી, જિલ્લા પં. ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલે જિલ્લા પંચાયતના તમામ હાજર સભ્યો સાથે મળીને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના તથા લક્ષદ્વીપ ના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશાનિર્દેશ અનુસાર દમણ જિલ્લામાં વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી.
જિલ્લા પંચાયતના સભ્યો અને કચેરીના સ્ટાફે નવા વરાયેલા પ્રમુખ જાગૃતિબેન પટેલ અને બાબુભાઈ પટેલને નવી જવાબદારી સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં સૌના સાથ-સહકારથી સહયોગ આપવાની ખાતરી પણ આપી હતી. નોંધનીય છે કે, ગત સપ્તાહની ચૂંટણી બાદ જાગૃતિબેન અને બાબુભાઈ અનુક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
આ પ્રસંગે દમણ નગરપાલિકા પ્રમુખ સોનલબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, ઓફિસ સ્ટાફ અને તેમના મતવિસ્તારના લોકો જેઓએ ચુંટણીના દિને જાગૃતિબેનને જીતાડવા માટે જે મહેનત કરી હતી તે તમામે જાગૃતિબેનને આ નવી જવાબદારી સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.