Friday, October 18News That Matters

પરશુરામ જયંતિ નિમિત્તે વાપીમાં વિપ્ર ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન, 151 યુનિટ રક્ત એકત્ર કર્યું

22મી એપ્રિલે અક્ષય તૃતીયા સાથે પરશુરામ જયંતિનો શુભ સંયોગ સર્જાયો છે. આ દિવસને ધ્યાને રાખી વાપીમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત વિપ્ર ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક સમાજના રક્તદાતાઓ ઉત્સાહભેર રક્ત દાન કરતા 151 યુનિટ રક્તનો સંકલ્પ સિદ્ધ કર્યો હતો.

વાપીમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના હોલમાં વિપ્ર ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન અંગે વિપ્ર ફાઉન્ડેશન સાથે જોડાયેલ બી. કે. દાયમાએ જણાવ્યું હતું કે, ભગવાન પરશુરામના છઠ્ઠા અવતાર મનાતા પરશુરામ ભગવાનનો આજે જન્મદિવસ છે. જેને ધ્યાને રાખી વિપ્રો ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે. કેમ કે, તેનો બીજો કોઈ વિકલ્પ નથી. તે લેબોરેટરીમાં કે ફેક્ટરીમાં બનાવી શકાતું નથી. લોહીની જે પણ જરૂરિયાતમંદ દર્દીને જરૂર પડે છે ત્યારે, તે અન્ય વ્યક્તિ દ્વારા કરેલા રક્તના દાન સ્વરૂપે જ પ્રાપ્ત કરી શકાય છે.

વિપ્ર ફાઉન્ડેશન દ્વારા આ બીજો રક્તદાન કેમ છે. જેમાં વિપ્ર સમાજ અને અન્ય સમાજના રક્તદાતાઓએ મળીને 151 યુનિટ રક્તનું દાન કર્યું છે. રક્તદાન કેમ્પના આયોજન માટે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરત ઠક્કર અને અરવિંદ શાહ દ્વારા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોલની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ સમાજે આભારની લાગણી પ્રગટ કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે વાપી સહિત વલસાડ જિલ્લામાં રક્તની ઘટના કારણે ક્યારેય કોઈ દર્દીનો જીવ ના જાય કોઈ પણ વ્યક્તિએ રક્ત માટે ભટકવું ના પડે તે ધ્યાને રાખીને રક્તની પૂર્તિ કરવા સમયાંતરે આ પ્રકારના રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. આવનારા સમયમાં પણ સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પના આયોજન કરવામાં આવતા રહેશે.

તો રક્તદાન કેમ્પમાં મહિલાઓએ પણ ઉપસ્થિત રહી રક્તનું દાન કર્યું હતું રક્તદાતા એવા અંજુ શર્માએ જણાવ્યું હતું કે પરશુરામ જન્મ જયંતી નિમિત્તે તેમણે રક્તદાન કર્યું છે. રક્તદાન કરી આનંદની લાગણી અનુભવી રહી છે. રક્તદાન માટે મહિલાઓએ પણ ઉત્સાહભેર આગળ આવવું જોઈએ આવા સારા કાર્યમાં દરેક સમાજની મહિલાઓ આગળ આવે અને રક્તદાન કરે તેવું આહવાન કર્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે વિપ્રો ફાઉન્ડેશન દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 151 યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો હતો. સંસ્થાના આગેવાનો દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *