વીરપુર ના વાસી જલારામ બાપા ભુખ્યાનો સહારો હતાં. તેઓ કહેતા હતા કે જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢૂકડો, આજે પણ તેમની ભુખ્યાને ભોજન કરાવવાની ટેકને વીરપુર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં તેમના ભક્તો દ્વારા શરૂ રાખી ભુખ્યાને ભોજન કરાવવાનો સેવાયજ્ઞ કરી રહ્યા છે.
ત્યારે, વાપીમાં છેલ્લા 37 રવિવારથી શ્રી લોહાણા યુવક મંડળ દ્વારા શ્રી જલારામ સેવસંઘ ના નેજા હેઠળ ખીચડી કઢી નો મહાપ્રસાદ પીરસવામાં આવે છે. વાપીમાં દર રવિવારે અંબામાતા મંદિરે સંસ્થાના સભ્યો દ્વારા ખીચડી-કઢી લાવી મંદિરે દર્શન કરવા આવેલા ભક્તો, વાપી GIDC ના કારખાનાઓમાં કામે જતા કામદારો, ગુંજન વિસ્તારમાં આસપાસના વિસ્તારમાંથી ખરીદી કરવા આવેલા લોકોને ભરપેટ ભોજન કરાવે છે.
આ સંસ્થાની ઉમદા સેવાને વાપીના જાણીતા કથાકાર ધરમ જોશીએ વખાણી હતી. તેમણે સંસ્થાના સભ્યોને સાધુવાદ આપતા જણાવ્યું હતું કે, જલારામ બાપા સૌના આદર્શ અને પ્રિય સંત છે. તેઓ ભુખ્યાને ભોજન કરાવી તૃપ્તિનો એહસાસ લેનાર સંત હતા. પ્રભુની ભક્તિ તેઓ ભુખ્યાને ભોજન અને ભજનનો લ્હાવો આપી કરતા હતાં. આ સેવાયજ્ઞને વાપીમાં રહેતા લોહાણા સમાજે અવિરત કર્યો છે. આ સેવાકાર્ય સતત ચાલતું રહે તેવા આશીર્વાદ આપ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, શ્રી લોહાણા યુવક મંડળ દ્વારા દર રવિવારે ચાલતા આ ખીચડી કઢી ના ભંડારા માટે વિવિધ દાતાઓ તરફથી દાન ની રકમ મળી રહે છે. તો કેટલાક દાતાઓ ગુપ્તદાન કરીને જતા રહે છે. હાલમાં જ એક અજ્ઞાત દાતાએ 500 ડોલરનું દાન કર્યું હતું. સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું કે, અમે આ આયોજન કર્યું ત્યારે અમે યુવાનો પોતાના ખર્ચે જ ખીચડી કઢી બનાવી લોકોને ખવડાવીશું તેવી નેમ હતી. પરંતુ દાતાઓના સહયોગથી હવે અમે માત્ર અહીં સેવા આપીએ છે. તમામ ચીજવસ્તુઓ દાતાઓ તરફથી જ મળી રહે છે. અને તેમાં પણ આગલા એક વર્ષ સુધીના દરેક રવિવારનું બુકીંગ દાતાઓ તરફથી કરી દેવામાં આવ્યું છે. લોકો પોતાના શુભ-અશુભ પ્રસંગને ધ્યાને રાખી અહીં ભુખ્યાને ભોજન કરાવે છે.