Friday, January 31News That Matters

વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેમાં કામ કરતા કામદારો અને કોન્ટ્રાકટરના માણસો વચ્ચે સર્જાઈ બબાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ મનાતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પ્રોજેકટ હેઠળ કામ કરતા કામદારો અને કોન્ટ્રાકટર ના માણસો વચ્ચે બબાલ થતા કામદારોએ ઓફિસમાં તોડફોડ કરી હતી. ઘટનામાં એક કામદાર ઘાયલ થતા તેને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો છે. કામદારોને છેલ્લા 3 માસ ઉપરથી પગાર ન મળતા કામદારોએ હડતાળ પાડી નરોલી પોલીસ મથકમાં રજુઆત કરી હતી. જો કે પગાર બાબતે સમાધાન લાવવાનો બદલે કોન્ટ્રાકરે પોતાના ભાડૂતી માણસો બોલાવી કામદારોને ધમકાવવાનો પ્રયાસ કરતા મામલો બીચકયો હતો.

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાંથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેના કન્સ્ટ્રકશનમાં કામ કરતા કામદારોને 3 મહિનાનો પગાર નહિ મળતા કામદારોએ હડતાળ પાડી નરોલી પોલીસ મથકે રજુઆત કરી હતી. જે બાદ આ મામલે સેલવાસ પોલીસે લેબર ઓફિસરને તેમજ હાઇવે ઓથોરિટીના અધિકારી, કોન્ટ્રાકટર સાથે વાતચીત કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જેમાં નરોલી પોલીસ સ્ટેશનના PSI સુરજ રાઉત તરફથી મળેલી વિગતો મુજબ હાઇવે ઓથોરિટીએ તમામ કામદારોનો પગાર કરી આપવાની ખાતરી આપી હતી. જો કે કામદારોના પગાર નો પ્રશ્ન હલ કરવા લેબર ઓફિસરે પણ દરમ્યાનગીરી કરી હતી.

બીજી તરફ કોન્ટ્રાકટ કંપની એવી રોડવેઇઝ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડના કોન્ટ્રાક્ટરે શનિવારે પોતાની ઓફીસ પર કેટલાક માણસો ને બોલાવી કામદારોને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા કામદારોએ રોડવેઇઝ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા લીમીટેડ કંપનીની ઓફિસમાં તોડફોડ કરી હતી. જેમાં એક વ્યક્તિ ઘાયલ થતા તેને સારવાર માટે સરકારી દવાખાનામાં રીફર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે,  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ સાથે દિલ્હી-મુંબઈ કોરિડોર ઉપર એક્સપ્રેસ હાઇવેનો પ્રોજેકટ હાથ ધર્યો છે. આ પ્રોજેકટ હેઠળ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેનો કોન્ટ્રાકટ પૂનાની રોડવેઝ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડને આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાકટ કંપની દ્વારા જાન્યુઆરીથી માર્ચ સુધીના 3 મહિનાનો પગાર કામદારોને નહિ ચૂકવતા કામદારોએ હડતાળ પાડી છે. કામદારો મોટી સંખ્યામાં UP, MP પંજાબ સહિતના રાજ્યોમાંથી કામ કરવા આવ્યા છે. છેલ્લા 3 માસ ઉપરથી પગાર ન મળતા કામદારોને ઘર ચલાવવાના ફાંફાં મારવા પડી રહ્યા છે.

હાલ સમગ્ર મામલે બંને પક્ષો તરફથી કોઈ જ ફરિયાદ પોલીસને કરવામાં આવી નથી. જ્યારે પોલીસે હાઇવે ઓથોરિટી અને લેબર વિભાગ કામદારોનો પગાર વહેલી તકે થાય તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે જ કોન્ટ્રાકટરની ઓફિસમાં થયેલી તોડફોડ અંગે ખરી હકીકત શુ છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *