Friday, January 31News That Matters

પાલઘરમાં મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારંભ ને લઈ અમદાવાદ-મુંબઈ NH-48 પર વાહનોની લાગી કતાર, 36 કલાક માટે હાઇવે બંધ

મહારાષ્ટ્રના ખારઘર નવી મુંબઈ ખાતે 16/04/2023 ના રોજ શ્રી અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. કાર્યક્રમમાં અંદાજિત 50 લાખ લોકો ઉપસ્થિત રહેવાના હોય મુંબઈ અમદાવાદ હાઇવે પર ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડી અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે. જેને લઈ ગુજરાત મહારાષ્ટ્ર સરહદે વાહનોની લાંબી કતારો લાગી રહી છે.

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ખારઘર નવી મુંબઈ ખાતે 16/04/2023 ના રોજ શ્રી અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. આ અનુસંધાને પાલઘર જિલ્લા કલેકટર દ્વારા ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડી 36 કલાક માટે નેશનલ હાઇવે પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેને લઈને ગુજરાત મહારાષ્ટ્ર સરહદે વાહનોની લાંબી કતારો લાગી છે. આ અંગે પાલઘર ના પોલીસ અધિક્ષક અજય વસાવે એ જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં અંદાજિત 50 લાખ લોકો ઉપસ્થિત રહેવાના હોય મુંબઈ અમદાવાદ હાઇવે પર ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડી અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે.

હાઇવે પર ગુજરાત મહારાષ્ટ્ર સરહદે નંદીગ્રામ-અચ્છાડ ચેકપોસ્ટ પર શનિવારે બપોરે 12 વાગ્યાથી જ મહારાષ્ટ્ર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહનોને અટકાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. 36 કલાકના હાઇવે પરની અવરજવરના આ નોટિફિકેશન ને કારણે હાલ હાઇવે પર ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા મુજબ આ એવોર્ડ સમારંભમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, અન્ય વિવિધ વિભાગોના મંત્રીઓ અને અન્ય મહત્વની વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે. અપ્પા સાહેબ ધર્મધિકારી મહારાષ્ટ્રમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે. તેમના લાખો અનુયાયી છે. જેમના અંદાજિત 50 લાખ અનુયાયી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.

મહારાષ્ટ્ર સરકાર તરફથી અપ્પા સાહેબ ધર્મધિકારી ને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. જે દરમ્યાન કોઈ ટ્રાફિક સમસ્યા ના સર્જાય તે માટે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 36 કલાક માટે હાઇવે પર ભારે વાહનો જ્યાં હશે ત્યાં જ રોકવામાં આવશે. વાહનચાલકોને અગવડ ના પડે તે માટે હાઇવે આસપાસ હોટેલ-ઢાબા ના પાર્કિંગમાં વાહનોને થોભાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

15/04/2023 ના બપોરના 12 વાગ્યાથી 16/04/2023ના રાત્રીના 23:00 કલાક સુધી મુંબઈ-અમદાવાદ હાઈવે નંબર 48 પરનો ટ્રાફિક રોકવામાં આવ્યો છે. જે અંગે નજીકના વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ ના ટ્રાન્સપોર્ટરોને, GIDC ના આગેવાનોને મહારાષ્ટ્ર ટ્રાફિક પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા જાણકારી પુરી પાડવામાં આવી છે. જો કે ટૂંકાગાળામાં થયેલ આ જાહેરાત ને કારણે વાહનચાલકો ને જાણકારી મળી નથી એટલે મુંબઈ તરફ જતા હાઇવે પર વાહનચાલકો અટવાયા છે.

ઉલ્લેખનીય છે કે, પાલઘરના અધિક કલેકટર ડૉ. કિરણ મહાજન દ્વારા આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ઉપરોક્ત ટ્રાફિક નિયંત્રણ સૂચના ભારે વાહનો માટે છે, પોલીસ વાહનો, મહેસૂલ વિભાગના વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને અન્ય આવશ્યક સેવા વાહનો, પોલીસ દ્વારા પરવાનગી આપેલ વાહનો, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને તાલુકા દ્વારા મંજૂરી આપવામાં આવેલ વાહનો સિવાયના અન્ય નાના વાહનોની અવરજવર શરૂ રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *