વાપી નગરપાલિકા હસ્તકના ડુંગરા-પીરમોરા વિસ્તારમાં 8મી એપ્રિલે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઘાંચીયા તળાવના વિકાસનું ખાતમુહરત કરવામાં આવ્યું હતું. 4.40 કરોડના આ મહત્વના પ્રોજેકટ દરમ્યાન નગરપાલિકાના સત્તાધીશોએ અને નાણાપ્રધાને લોકોએ કરેલા દબાણો હટાવી લેવાની નહિ તો પ્રશાસન હટાવશે તેવી તાકીદ કરી હતી. જો કે, વાપી પાલિકાના સત્તાધીશોએ નાણાપ્રધાનની હાજરીમાં ભલે જે પણ ગુલબાંગો મારી હોય પણ હકીકતે શહેરના વિકાસમાં નડતર બનેલા દબાણો સામે વામણા પુરવાર થયા છે.
આ અંગે નો તાજો દાખલો ડુંગરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કરેલી રજુઆત પરથી જ મળી રહ્યો છે. ડુંગરા વિસ્તાર રહેણાંક વિસ્તાર સાથે ઔદ્યોગિક વિકાસ માં પણ ખૂબ જ ફુલ્યો ફાલ્યો છે. અહીં ના એકમોમાં અવરજવર કરતા વાહનચાલકો માટે મુખ્ય માર્ગ પરના દબાણો ટ્રાફિક સહિત અનેક સમસ્યા ઉભી કરી રહ્યા છે. જેના નિરાકરણ માટે ગત 20 ફેબ્રુઆરી 2023 ડુંગરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ આર. ડી. મૌર્યા, વાઇસ પ્રેસિડેન્ટ અનિલ ગુપ્તા, સેક્રેટરી કિરીટ મધાની, ટ્રેઝરર રમેશ પૂજારીએ વાપી GIDC ના ડિવિઝનલ મેનેજરને, વાપી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છે. પરંતુ તેમ છતાં આ અંગે સત્તાધીશોએ કોઈ જ કાર્યવાહી કરી નથી.
પરંતુ હાલમાં 4.40 કરોડના ખર્ચે તળાવના વિકાસને ધ્યાને રાખી તેના ઉદ્દઘાટનમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, પૂર્વ આદિજાતિ મંત્રી રમણલાલ પાટકર ને સારું લાગે તેવું બતાવવા રસ્તાઓ પર સાફસફાઈ હાથ ધરી હતી. વળી પાલિકા પ્રમુખે તો દબાણો ને લઈ સ્થાનિક લોકો સામે ટકોર કરી દેતા તેની ટકોર ને નાણાપ્રધાને પણ ગંભીર ગણી તાકીદ કરી દીધી. જો કે આ બધા રાજકીય દાવપેચ માં DIA ના ઉપસ્થિત મેમ્બરો દુવિધામાં મુકાયા છે કે, તેઓની રજુઆત ને ટલ્લે ચડાવનારા સત્તાધીશો આખરે તેમની રજુઆત ધ્યાને લેશે કે કેમ?
DIA એ રજુઆત કરી છે કે, વાપી-સેલવાસ રોડને જીઆઈડીસી ડુંગરાથી જોડતો રસ્તો (અંદાજે 500 મીટર) જે તમારા અધિકારક્ષેત્રમાં આવે છે, ત્યાં ઘણી બધી ગેરકાયદેસર દુકાનો અને મકાનો દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યું છે જેના કારણે ભારે અસુવિધા થાય છે. જીઆઈડીસી ડુંગરામાં ઉદ્યોગો માટે માલસામાન અને કાચો માલ વહન કરતા વાહનો અને ટ્રકો આ મહત્વના રસ્તા પરથી પસાર થાય છે. જે અંગે કાર્યવાહી કરવા વિનંતી છે. હવે આ માર્ગ પરના અતિક્રમણ દૂર કરવાની ડુંગરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની રજૂઆતને ટલ્લે ચડાવી દેનારા વાપી પાલિકા અને GIDCના સત્તાધીશો નાણાપ્રધાનની ટકોર બાદ જાગશે? તેવો મુંઝવતો સવાલ ઉપસ્થિત થયો છે.