વાપી GIDC માં ઉદ્યોગો ધરાવતા ઉદ્યોગકારોની સોસાયટી મનાતી સૌરભ સોસાયટીના ખુલ્લા કોમન પ્લોટમાં 76 લાખના ખર્ચે બનેલા અદ્યતન સુવિધાથી સજ્જ ચિલ્ડ્રન પાર્કનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વાપી GIDC માં નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા અંદાજિત 8 જેટલા વિવિધ કોમન પ્લોટ પર આધુનિક સુવિધાઓથી સજ્જ ગાર્ડન બનાવી શહેરીજનોને હરવાફરવાના ઉત્તમ સ્થળોની ભેટ આપી છે. આવી જ વધુ એક ભેટનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, VIA ના મેમ્બરો, ઉદ્યોગકારો, વેપારીઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વાપીના ગુંજન એરિયામાં વાપીની સૌ પ્રથમ સોસાયટી તરીકે જાણીતી સૌરભ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી એક કોમન પ્લોટ હતો. આ પ્લોટ સ્થાનિકો પાર્ક તરીકે ઉપયોગ થાય તેવું ઇચ્છતા હતાં. જે ધ્યાને લઇ વાપી નોટિફાઇડ એરિયા ઓથોરિટીએ 76 લાખના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ ચિલ્ડ્રન પાર્ક તરીકે વિકસાવ્યો છે.
પાર્કનું ઉદ્ઘાટન કરવા આવેલા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સૌરભ સોસાયટીના કોમન પ્લોટને ચિલ્ડ્રન પાર્ક બનાવવાનો આ સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. નોટિફાઇડ દ્વારા વાપીના ચણોદ-ગુંજન સહિતના અન્ય સ્થળોએ પણ આ પ્રકારે પાર્ક બનાવી શહેરીજનોને હરવાફરવા માટેનું ઉત્તમ સ્થળ પૂરું પાડ્યું છે. આ માટે વાપીની ગ્રીન સોસાયટી કાર્યરત છે. જેના પ્રયાસોથી જ વાપી એસ્ટેટમાં અન્ય એસ્ટેટની સરખામણીએ વધુ વૃક્ષો છે. અને વાપી ગ્રીન વાપીના સૂત્રને સાર્થક કરી રહ્યા છે. આ પહેલ હેઠળ જ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.
સરદાર વલ્લભભાઈ પટેલ ચિલ્ડ્રન પાર્ક વાપી નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા ડેવલોપ કરવામાં આવ્યો છે. જે અંગે નોટિફાઇડના ચીફ ઓફિસર ડી. બી. સગરે જણાવ્યું હતું કે, સૌરભ સોસાયટીના આ કોમન પ્લોટ પર માત્ર 9 મહિનામાં 76 લાખના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ ચિલ્ડ્રન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. પાર્કમાં બાળકો માટે હીંચકાથી માંડીને લપસણી સહિત પ્લે એરિયાની સુવિધાઓ છે. મોટેરાઓ માટે બેન્ચ સહિતની બેસવાની વ્યવસ્થા છે. ટોયલેટ-બાથરૂમ, સ્ટોર રૂમ સાથેના આ ગાર્ડનમાં 280 મીટરનો વોકિંગ ટ્રેક, ગ્રીનરી માટે 127 મોટા વૃક્ષો સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.
નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા વાપી GIDC વિસ્તારમાં આવા અંદાજિત 10 જેટલા ગાર્ડન બનાવવામાં આવ્યા છે. મોટાભાગના ગાર્ડનના મેઇન્ટેનન્સ માટે આરતી, પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ તેમના CSR હેઠળ સેવા પૂરી પાડે છે. જેમાં રામલીલા ગાર્ડન, ચાણોદ ગાર્ડન, પ્રેમકુમાર પાટીલ ગાર્ડન જેવા ગાર્ડનનો સમાવેશ થાય છે. જ્યારે આ સૌરભ સોસાયટીમાં તૈયાર કરેલ ગાર્ડન અને હાઇવે પર આવેલ ગાર્ડનની સંપૂર્ણ માવજત નોટિફાઇડ હસ્તક છે.
ઉલ્લેખનીય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલ ચિલ્ડ્રન પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે VIA ના પૂર્વ પ્રમુખ યોગેશ કાબરીયા, વર્તમાન પ્રમુખ કમલેશ પટેલ, સેક્રેટરી સતીશ પટેલ, વાપી નોટિફાઇડ સંગઠનના પદાધિકારીઓ, પેપરમિલ એસોસિએશનના પ્રમુખ, સભ્યો, હુબર, મેરિલ જેવા મોટા એકમોના સંચાલકો સહિત VIA ના સભ્યો નગરપાલિકાના પ્રમુખ સહિત અન્ય ઉદ્યોગકારો, સ્થાનિક રહીશો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.