વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ GIDC માં મનીષા પેકેજીંગ કંપનીમાં હનુમાન જયંતિ નિમિત્તે ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કંપનીના સંચાલકો છેલ્લા 15 વર્ષથી કંપનીમાં જ હનુમાન જયંતીની ભક્તિભાવ સાથે ઉજવણી કરે છે. જેમાં કંપનીના કર્મચારીઓ તેમજ આસપાસના શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરે છે.
સરીગામ ભિલાડમાં આવેલ લઘુઉદ્યોગ સહકારી મંડળી ખાતે કાર્યરત મનીષા પેકેજિંગમાં હનુમાન જયંતિ નિમિતે ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે કંપનીના સંચાલક બીકમચંદ બૈડ અને પવનકુમાર બૈડે જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી અહીં કંપનીમાં ડુંગર બાલાજીનું મંદિર બનાવી શ્રધ્ધાભાવથી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. બાલાજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવતા હોય તેમના આશીર્વાદ કંપની પર કંપનીના કર્મચારીઓ પર મળતા રહે તે માટે દર પૂનમે જાણીતા ભજન કલાકારો બોલાવી ભજન સંધ્યાનું આયોજન કરાય છે.
એ જ રીતે અહીં દર હનુમાન જયંતિએ 2 દિવસ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં પણ સૌ પ્રથમ ભજન સંધ્યા, બાલાજી ની મહાઆરતી, મહાપૂજા ત્યાર બાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે. કંપનીના કર્મચારીઓ સાથે જ કંપનીના સંચાલકો એવા બીકમચંદ બૈડ, પવનકુમાર બૈડ અને તેમના પરિવારજનો મહાપ્રસાદ ગ્રહણ કરે છે. અન્ય આમંત્રીતો ને પણ આ ઉત્સવમાં આમંત્રણ આપે છે.
ઉલ્લેખનીય છે કે, સરીગામમાં પેકેજીંગ, પ્લાસ્ટિક અને એર કુલર બનાવવાના બિઝનેસક્ષેત્રે સંકળાયેલ બૈડ પરિવાર ડુંગર બાલાજી માં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. તેમના પુત્રો પણ આ જ બિઝનેસ સાથે સંકળાયેલ હોય હનુમાન જયંતીના દિવસે અન્ય તમામ યુનિટના કર્મચારીઓ ને પણ મહાપ્રસાદ ગ્રહણ કરવા આમંત્રણ પાઠવે છે.