Saturday, March 15News That Matters

વરસાદી ઝરમર અને વીજળીના ચમકારે વલસાડ-સંઘપ્રદેશના લોકોએ ઉત્સાહભેર હોલિકા દહન સાથે હોળી માતાની પૂજા કરી

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં વરસાદી માહોલ વચ્ચે લોકોએ ઉત્સાહભેર હોલિકા દહન કરી હોળીમાતાની પૂજા કરી હતી. વાપીમાં ટાઉન વિસ્તાર અને બલિઠા જેવા ગ્રામ્ય વિસ્તારમાં તેમજ દમણ દાદરા નગર હવેલીમાં વિવિધ સમાજના આગેવાનો સંસ્થાઓ, નગરજનો, ગ્રામ્યલોકોએ હોલિકા દહનના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

એક તરફ હોલીમાતાની જ્વાળાઓ લબકારા મારતી હતી તો બીજી તરફ આકાશમાં વીજળી ચમકારા કરતી હતી. આ અનોખા માહોલ વચ્ચે લોકોએ હોલીમાતા ની પ્રદક્ષિણા કરી પરિવાર, સમાજ, દેશ, વિશ્વની સુખકારીના આશીર્વાદ માંગ્યા હતા.

વાપીમાં હનુમાન મંદિર ચોક ખાતે અનાવિલ સમાજ દ્વારા દર વર્ષે ભવ્ય હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. એ જ રીતે બલિઠા માં સ્થાનિક યુવાનો દ્વારા હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. બલિઠા ખાતે યોજાયેલ હોલિકા દહન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો, બાળકો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં.તમામે હોળી ફરતે પ્રદક્ષિણા ફરી નારિયેળ, ધાણી, દાળિયા, પતાસા નો પ્રસાદ ધરી હોલીમાતા ની પૂજા કરી હતી. વલસાડ જિલ્લો, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ સહિત સમગ્ર દેશમાં લોકો સુખશાંતિથી એકસંપ થઈને રહે, લોકોનું સારું આરોગ્ય રહે, વેપાર ધંધામાં વૃદ્ધિ થાય તેવા આશિષ હોલીમાતા પાસે માંગવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે હોળી પર્વને બુરાઈ પર અચ્છાઈના વિજયના પ્રતીક તરીકે મનાવવામાં આવે છે. સાથે જ હોળીની જ્વાળાને આધારે ચોમાસુ કેવું જશે તેનો વર્તારો કાઢવામાં આવે છે. બહેનો શ્રીફળ, દાળિયા, ખજૂર, ધાણી હોળીની જ્વાળામાં નાખી પ્રદક્ષિણા કરી હોળીમાતા પાસે પરિવારની સુખશાંતિની કામના કરતી પૂજા કરે છે.

ત્યારે આ વર્ષે વહેલી સવારથી બપોર સુધી અસહ્ય ઉકળાટ બાદ વરસેલા વરસાદે હોળી પ્રગટાવતા અને ઉજવતા લોકોમાં સંશય જગાડ્યો હતો. જો કે સાંજે વરસાદ બંધ થતાં અને માત્ર રિમઝીમ છાંટા જ વરસતા હોય અકાશમાં થતા ગડગડાટ, વીજળીના ચમકારા વચ્ચે મોટી સંખ્યામાં લોકો હોળી માતાની પૂજા કરવા ઉમટ્યા હતાં.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *