દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી GIDC ના એકમોમાં 4થી માર્ચથી 10મી માર્ચ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે વર્ષના 365 દિવસ GPCB ના નિયમોને ઘોળી ને પી જનાર કેટલાક નામચીન એકમોના સંચાલકો આ એક સપ્તાહ દરમ્યાન પણ પોતાની અવળ ચંડાઈ ચાલુ રાખી વહીવટીતંત્ર ને ઠેંગો બતાવી રહ્યા છે.
દર વર્ષે 4 થી માર્ચ થી 10 માર્ચ દરમિયાન સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી દરમ્યાન વાપી GIDC ની આરતી ઇન્ડસ્ટ્રીઝ, UPL ઇન્ડસ્ટ્રીઝ, હેરંબા ઇન્ડસ્ટ્રીઝ જેવી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, પેપરમિલ, ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ સુરક્ષા સલામતીના ભાગરૂપે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરી કર્મચારીઓને સલામતીના શપથ લેવડાવે છે. ફાયર ફાઈટિંગ મેનેજમેન્ટની તાલીમ આપે છે. સલામતીના હેતુથી અને કર્મચારીઓમાં જાગૃતિ આવે તેવા હેતુથી કંપનીના મુખ્ય ગેટ પર મોટા બેનર લગાડે છે. દરેક કર્મચારી તેમના યુનિફોર્મમાં ટેગ લગાવી આ સપ્તાહની ઉજવણી કરે છે. પર્યાવરણ જાગૃતિ અંગે માર્ગદર્શન અપાય છે.
જો કે કેટલીક કંપનીઓના સંચાલકોને માત્ર પોતાના ગજવા ભરવામાં જ રસ હોય અને વર્ષના 365 દિવસ GPCB ના તમામ નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તેમને મન આવી ઉજવણી નાહકનો ખર્ચ કરવા સમાન છે. આવા એકમોના સંચાલકો પર્યાવરણને પારાવાર નુકસાન પહોંચાડવાની જ મનસા સેવતા હોય છે.
હાલ વાપીમાં પણ આવી પર્યાવરણને નુકસાન કરનારી બદનામ કંપનીના નફ્ફટ સંચાલકો રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી ને ઘોળી ને પી ગયા છે. એમાં પણ હાલમાં જ પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ GPCB દ્વારા નોટિસ ફટકારી કાર્યવાહી નો સામનો કરી રહેલ મેઘના કલર કેમ અને વાપી પીગમેન્ટ્સ નામની કંપની નો સંચાલક હજુ પણ સુધર્યો નથી. આ એક સપ્તાહ પૂરતી પણ પર્યાવરણીય કાળજી રાખવામાં સંચાલક પુરણ ને પુરાણ નડી રહ્યું છે. કંપની બહાર મુખ્ય માર્ગ પર કંપનીનો કલર એટલો ઢોળાયો છે કે રોડ નો કલર બદલી ગયો છે. પાણીની બાબતે બહાર થી ટેન્કરો મંગાવી બિન્દાસ્ત ઉત્પાદન કરી રહ્યો છે. ત્યારે આવા અન્ય સંચાલકો કોની રહેમ નજર હેઠળ પર્યાવરણ ને નુકસાન કરતું ઉત્પાદન કરી રહ્યા છે. તે એક સવાલ છે.
જો કે, અવારનવાર પર્યાવરણને લગતી ઉજવણી દરમ્યાન ઉદ્યોગપતિઓ પાસેથી ઉઘરાણી કરતા વાપી VIA ના પદાધિકારીઓ, GPCB, નોટિફાઇડ, GIDC ના અધિકારીઓ આવા નફ્ફટ સંચાલકોને છાવરવાને બદલે તેની સામે લાલ આંખ કરી કાયદાનો દંડો ઉગામશે તો જ વાપીમાં પ્રદુષિત બનતું વાતાવરણ સુધરશે અને CPCB કે NGT ના રોષ નો ભોગ બનતા અટકશે.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં ઉજવાય રહેલા 52માં નેશનલ સેફટી વિક 2023ની ઉજવણીમાં આ વર્ષે ‘Our Aim Zero Harm’ થીમ પસંદ કરવામાં આવી છે. પરંતુ, વાપી GIDC માં શૂન્ય નુક્સાનમાં માનનારી ગણતરીની કંપનીઓ સિવાય મોટાભાગની કંપનીઓ નુકસાન માં જ માનતી હોય તેવી પ્રતીતિ આ ઉજવણી દરમ્યાન થઈ રહી છે.