Friday, January 31News That Matters

સરીગામની Ven petrochem & pharma કંપનીમાં બ્લાસ્ટ-આગ-જાનહાનીના કારણો અંગે તપાસ જરૂરી

વલસાડ જિલ્લાની સરીગામ GIDC માં આવેલ Ven petrochem & pharma લીમીટેડ નામની કંપનીમાં ગત રાત્રે બ્લાસ્ટ થયો થયો હતો. બ્લાસ્ટ બાદ કંપનીનો 2 માળનો સ્લેબ ધરાશાઈ થયો હતો. તેમજ કંપનીમાં આગ લાગી હતી. ઘટનામાં 3 કામદારોના મોત થયા હોવાનું અને 3 કામદારો ઘાયલ થયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. જો કે આગ અને બ્લાસ્ટની ઘટના કંપનીમાં રજા હતી તે દિવસે બની હોય ઘટના શંકાના દાયરામાં છે. જેને લઈને GPCB, પોલીસ, વહીવટીતંત્ર એ ચોક્કસ કારણો જાણવા તપાસ હાથ ધરી છે.

 


બ્લાસ્ટ બાદ આગની ઘટના સરીગામ GIDC માં આવેલ Ven petrochem & pharma લીમીટેડ નામની કંપનીમાં બની હતી. કંપનીમાં રાત્રે 11:30 વાગ્યે અચાનક બોઇલર ફાટતા કે અન્ય કોઈ કારણસર બ્લાસ્ટ થયો હતો. જેના ધડાકામાં કંપનીનો સિમેન્ટ કોન્ક્રીટ ના સ્લેબ સાથે બનાવેલ શેડ ધરાશાઈ થયો હતો. ઘટનાની જાણકારી તાત્કાલિક સરીગામ ફાયરને કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતાં.

જો કે GIDC માં સોમવારે પાવર કટ હોય કંપનીમાં સિક્યુરિટી અને અન્ય મળી ગણતરીના જ કામદારો નાઈટ શિફ્ટ કરી રહ્યા હતાં. જે ધરાશાઈ થયેલ સ્લેબમાં દટાઇ ગયા હતાં. જેમાના ત્રણેક ઘાયલ કામદારોને બહાર કાઢી 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. જ્યારે અન્ય ત્રણ જેટલા કામદારો સ્લેબના કાટમાળમાં દટાયા બાદ આગમાં ભડથું થઈ જતા ક્ષત વિક્ષત હાલત માં તેઓના મૃતદેહો બહાર કાઢયા હતાં.

જો કે આટલી મોટી ઘટનામાં વહેલી સવાર સુધી કામદારોની ઓળખ થઈ શકી નથી. જેને લઈને આગની ઘટના પાછળ અનેક શંકા કુશંકા સેવાઇ રહી છે. મળતી માહિતી મુજબ બ્લાસ્ટનો ધડાકો એટલો મોટો હતો કે આસપાસના એકાદ કિલોમીટર સુધીના વિસ્તારમાં તેનું કંપન અનુભવાયું હતું. ધડાકા સાથેની ભીષણ આગને કારણે અફરાતફરી નો માહોલ ઉત્પન્ન થયો હતો.

ઘટનાની જાણકારી ફાયર ઉપરાંત GPCB, પોલીસ સહિતને કરતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. આગની ઘટના અંગે વલસાડ DYSP વિજયસિંહ ગુર્જરે આપેલી વિગતો મુજબ હાલ રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુ છે. જેમાં જે કામદારોના મૃતદેહ મળ્યા છે. તેમની ઓળખ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


આ અંગે સરીગામ ફાયર વિભાગ અને 108 તરફથી મળેલી વિગતો મુજબ બ્લાસ્ટનું કારણ જાણવા મળ્યું નથી. હાલમાં આગ પર કાબુ મેળવી ધરાશાઈ થયેલ શેડનો કાટમાળ હટાવવા JCB ની મદદ લેવાઈ છે. શેડ ધરાશાઈ થયો ત્યારે તેમાં દબાયેલ 3 કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. એક કામદારની શોધખોળ કરવામાં આવી રહી છે.


વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા લીમીટેડ કંપનીમાં બનેલી બ્લાસ્ટની ઘટના બાદ આખી કંપનીમાં આગ લાગી હતી. જેને બુઝાવવા સરીગામ ફાયર ઉપરાંત વલસાડ જિલ્લાના વાપી, ઉમરગામ, પારડી અને દમણથી ફાયરને બોલાવવામાં આવી હતી. જેઓએ પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જે બાદ JCB ની મદદથી કાટમાળ હટાવી કામદારોની શોધખોળ શરૂ કરી હતી.

બ્લાસ્ટ બાદ આગ અને સ્લેબ ધરાશાયી થતા કાટમાળમાં ફેરવાઈ ગયેલ કંપનીમાં વહીવટીતંત્રને પોલીસને કે GPCB ને હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તો, કામદારોની પણ ઓળખ થઈ શકી નથી. ત્યારે, જેમ દર વર્ષે માર્ચ એન્ડિંગ આવે અને કંપનીઓ માં વીમો પકવવા આગ લગાડે તેવા આશય થી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ? બ્લાસ્ટ ચોક્કસ ક્યાં કારણોથી થયો? રજાનો દિવસ હતો તો કામદારો શુ કરતા હતાં. તેમની કોઈ નોંધ કરવામાં આવી હતી કે નહીં? વગેરે અનેક સવાલોના જવાબ મળ્યા નથી. અત્રે નોંધનીય છે કે આ પહેલા પણ સરીગામની કંપનીઓ માં આગ લાગી છે અને તે પણ રજાના દિવસે જ લાગી છે. પરંતુ આ ઘટના વધુ અરેરાટી જનક છે કેમ કે તેમાં કામદારોના મોત થયા છે. ઘાયલ થયા છે. ત્યારે દરેક એજન્સી યોગ્ય તપાસ કરે તે જરૂરી છે.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *