વલસાડ જિલ્લાના સરીગામ ઔદ્યોગિક ઝોનમાં કાર્યરત Macleods Pharmaceuticals કંપની દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના MD ડૉ. રાજેન્દ્ર અગ્રવાલના 64માં જન્મ દિવસ નિમિત્તે આયોજિત આ રક્તદાન કેમ્પમાં સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગમાં 700 બોટલ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ પાર પાડ્યો હતો.
સરીગામ ખાતે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના હોલમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 700 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જે અંગે મેકલોડસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના HR મેનજેર પી. સી. પાત્રોએ જણાવ્યું હતું કે, આ કંપનીમાં કામ કરતા દરેક કર્મચારીઓનો મનોભાવ છે કે “સર્વિસ ટૂ મેનકાઇન્ડ એન્ડ સર્વિસ ટૂ ગોડ” ‘રક્તદાન એ મહાદાન છે’. એક બોટલ રક્ત કોઈના જીવનની રક્ષા કરી શકે છે. એટલે, મેકલોડસ કંપનીના MD ડૉ. રાજેન્દ્ર અગ્રવાલના 64માં જન્મદિવસે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કંપની અને SIA સાથે મળી આ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. જે કંપનીના MD ને ભેટ અને સમાજને રક્તદાન કરવા પ્રેરિત કરવાનો સંદેશ છે. મેકલોડસ ફાર્માસ્યુટિકલ કંપની દર વર્ષે CSR ફંડ હેઠળ વિવિધ સામાજિક જવાબદારીઓનું વહન કરે છે. જે હેઠળ આ રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો છે.
તો, આ પ્રસંગે કંપનીના HR હેડ અભિષેક શર્માએ જણાવ્યું હતું કે, રક્તદાન એ સૌથી મોટું દાન છે. જે અંતર્ગત આ રક્તદાન કેમ્પમાં 700 બોટલ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ છે. MD ડૉ. રાજેન્દ્ર અગ્રવાલના જન્મ દિવસે કર્મચારીઓ દ્વારા આનાથી વધુ સારી કોઈ ભેટ ના હોઈ શકે એ ઉદેશ્ય આ રક્તદાન કેમ્પનો છે. જેનાથી સમાજને મદદરૂપ થઇ શકાય, લોહીની ઘટ નિવારી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષી શકવાના ઉમદા કાર્યમાં સહભાગી થઈ શકાય.
ઉલ્લેખનીય છે કે, મેકલોડસ ફાર્માસ્યુટિકલ્સ અને સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પમાં HR વિભાગ સહિત તમામ વિભાગના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કેમ્પમાં સરીગામ, વાપીના ઉદ્યોગપતિઓ, સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેઓના હસ્તે કેમ્પનું ઉદ્ઘાટન કરી રક્તદાતાઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.