ધરમપુર તાલુકાના કાકડકુવા ગામે જલારામ બાપાનું મંદિર આવેલું છે. જેમાં ગામના લોકોને આસ્થા છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી મંદિરની દાન પેટી ચોરી થવાની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો હતો. જેને ધ્યાને લેતા સ્થાનિક લોકોએ અહીં આગળ વોચ ગોઠવી હતી જેમાં એક યુવક મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા બાદ મંદિરમાં મૂકેલી દાનપેટીની આસપાસ ફરતો જોવા મળતા લોકોને શંકા ગઈ હતી. જેઓએ ગર્ભ ગૃહની બહાર આવેલા લોખંડના જાળીયાને તાળું મારી ઈસમને અંદર જ પુરી દીધો હતો.
જે બાદ તે હાથ જોડીને બહાર નીકળવા માટે આજીજી કરી રહ્યો હતો. પરંતુ આ અગાઉ પણ તેના દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું લોકો માની રહ્યા છે. આ ઘટના બનતા આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મંદિરના ગર્ભગૃહની બહારથી તાળું મારીને પૂરી દેતા સમગ્ર ઘટનાની જાણ ધરમપુર પોલીસને કરવામાં આવી હતી જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તેનો કબ્જો મેળવી પોલીસ મથકે લઈ આવી હતી.
પકડાયેલો ઈસમ રામ કાળુ ડામોર હાલ રહેવાસી ધગડમાળ સ્વામિનારાયણ મંદિરની પાછળ મૂળ રહેવાસી દાહોદ જેની સામે પોલીસે સીઆરપીસી 109 મુજબ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે જોકે કાકડકુવા ગામે બનેલી આ ઘટનાની જાણકારી સમગ્ર પંથકમાં ફેલાઈ જતા સમગ્ર બાબતે ભારે ચકચાર જગાવી છે