વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તીસ્કરી (તલાટ) ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાંનિધ્યમાં રુદ્રાક્ષ શિવલિંગના પેટન્ટ હોલ્ડર અને 4 વખત લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર બટુક વ્યાસે 31 લાખ રુદ્રાક્ષમાંથી તૈયાર કરેલ શિવલિંગ શિવભક્તો માટે ખુલ્લું મૂક્યું છે. 31 લાખ રુદ્રાક્ષ અને સવા 31 ફુટ આ વિરાટ રુદ્રાક્ષ-શિવલિંગના આયોજન સાથે અહીં. શિવકથા, સમૂહલગ્ન, રક્તદાન કેમ્પ, મહાપ્રસાદ જેવા આયોજન કરવામાં આવ્યા છે. જેમાં મહાશિવરાત્રી સુધી શિવભક્તોનો મહેરામણ ઉમટવાનો છે.
આ અદભુત અયોજન અંગે રુદ્રાક્ષ શિવલિંગ ના પાયોનિયર ગણાતા બટુક વ્યાસે જણાવ્યું હતું કે, શિવલિંગના અભિષેકનું હંમેશા વિશેષ મહત્વ રહ્યું છે. જેમાં તેઓ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અને દેશના રાજ્યમાં રુદ્રાક્ષમાંથી શિવલિંગનું નિર્માણ કરી શિવભક્તોને શિવભક્તિનો, જળાભિષેકનો લ્હાવો પૂરો પાડે છે. આ વખતે ધરમપુરના તીસ્કરી ગામે સવા 31 લાખ રુદ્રાક્ષમાંથી 31 ફૂટ ઊંચું શિવલિંગનું નિર્માણ કર્યું છે. મહાશિવરાત્રી સુધી આ મહાદેવના શિવલિંગના લોકો દર્શન કરી શકશે.તેમજ અહીં મહારુદ્ર યજ્ઞમાં શિવ કથા, રક્તદાન કેમ્પ, સમૂહ લગ્નના ત્રિવેણી આયોજન કર્યા છે.
સામાજિક અનુદાન તરીકે સમાજને સારો સંદેશ આપવા 15 તારીખે રક્તદાન કેમ્પ, સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. શિવ મહિમન્સ્ત્રોતના પાઠનું આયોજન છે. ભક્તો માટે દરરોજ સાંજે ભંડારાની નગરજનો તરફથી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો અહીં એક લોટો જળ હર હર મહાદેવ પર ચઢાવવા સાથે આ ત્રિવેણી પ્રસંગનો લાભ લઇ શકશે.
બટુક ભાઈ વ્યાસે આ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણની પેટન્ટ મેળવી છે. તેમજ 4 વખત લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે, રુદ્રાક્ષ શિવલિંગની પેટન્ટ મેળવવા અંગે અને લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવવા અંગે બટુક વ્યાસે જણાવ્યું હતું કે, વર્ષ 2008માં રુદ્રાક્ષમાંથી 15 ફૂટ ઊંચું શિવલિંગ બનાવ્યું હતુ. ત્યારે જિલ્લાના સ્થાનિક પત્રકારોએ તેને ખૂબ પ્રસિદ્ધિ અપાવી હતી. જેથી ખ્યાલ આવ્યો કે વિશ્વમાં એટલું ઊંચું અને રુદ્રાક્ષમાંથી ક્યારેય કોઈએ શિવલિંગ બનાવ્યું નથી. એટલે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું જે બાદ ફરી ઊંચાઈ માં 21 ફૂટ, 31 ફૂટ અને 33 ફૂટ ના શિવલિંગની સ્થાપના કરવા બદલ એવોર્ડ મળતા રહ્યા છે.
જ્યારે પેટન્ટ કરાવવા પાછળનો ઉદેશ્ય એટલો જ છે કે જ્યારે જ્યારે રુદ્રાક્ષ શિવલિંગની વાત આવે ત્યારે બૌદ્ધિક સંપદા મુજબ તેમનું નામ બની રહે એ પરંપરાના સર્જક તરીકે લોકો તેને હરહંમેશ યાદ કરતા રહે સરકારના પ્રમાણિત બની આ પરંપરાના સંશોધક ઓથોરાઈઝડ રહી શકે રુદ્રાક્ષના શિવલિંગ અંગે જ્યારે પણ ઇતિહાસ લખાય ત્યારે ધરમપુરનું નામ અને તેમનું નામ રુદ્રાક્ષ શિવલિંગના પાયોનિયર તરીકે તેમાં સુવર્ણ અક્ષરે અંકિત થાય એ એક જ ઉદેશ્ય છે. જે માટે 2 વર્ષ પહેલા આ રુદ્રાક્ષ શિવલિંગના પેટન્ટ કરાવી પેટન્ટ હોલ્ડર બન્યા છે.
12મી ફેબ્રુઆરીએ આ વિરાટ શિવલિંગ ભળતોના દર્શન માટે ખુલ્લું મુકાયું હતું. ઉપ દંડક વિજયભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. તો આ પ્રસંગે ભવ્ય પોથીયાત્રા બાદ 31 લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત સવા 31 ફૂટ ઉંચા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન – અભિષેકનો તમામે લ્હાવો લીધો હતો. સાથે જ જીવને શિવ તરફ ગતિ કરાવતી-મોક્ષદાયી શિવકથા, 11 કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, 15 ગરીબ દિકરીઓનું કન્યાદાન “સમૂહ લગ્ન”, વિશાળ રક્તદાન કેમ્પ તથા દરરોજ રાત્રે ભોજન -મહાપ્રસાદ – ભંડારાનું આયોજનનો શુભારંભ થયો હતો.
આ પ્રસંગે ભાગવતાચાર્ય પંકજ વ્યાસે જણાવ્યું હતું કે, પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવ છે. 31 લાખ રુદ્રાક્ષ પર એક વાર અભિષેક કરવામાં આવે એટલે 31 લાખ શિવલિંગાર્ચન થાય, આમ લાખો શિવલિંગનો અભિષેક મહાશિવરાત્રીનાં પવિત્રકાળમાં કરવાનો પવિત્ર અવસર પ્રાપ્ત થશે. મહાશિવરાત્રીના અવસરે આ ભવ્ય અને દિવ્ય રુદ્રાક્ષ શિવલિંગના દર્શન અને અભિષેકનો લાભ લેવા આહવાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રુદ્રાક્ષ શિવલિંગ સહિતના તમામ આયોજન માટે મોટો ખર્ચ થાય છે. જે ટ્રસ્ટ દ્વારા મેળવતા દાનમાંથી કરવામાં આવે છે. જેના માટે દાનપેટીઓ પણ મુકવામાં આવી છે.