સોમવારે નામધા ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ અને તેના બે સભ્યોએ સમર્થકો સાથે પહોંચી હંગામો મચાવ્યો હતો. ઘટના અંગે વાપી ટાઉન પોલીસને જાણ કરતા સુરક્ષા સલામતીના ભાગરૂપે 20થી વધુ પોલીસ જવાનોને ઘટના સ્થળે પહોંચી શાંતિ સ્થાપવા પ્રયાસ કર્યો હતો. તો, હંગામો મચાવતા સરપંચ સામાન્ય સભામાં હાજરી નહીં આપતા ઉપસરપંચ અનિતાબેન સતિષભાઈ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં 6 સભ્ય દ્વારા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હતી.
વાપી તાલુકાના નામધા ગામે ગ્રામ પંચાયતના આઠ સભ્યો પૈકી છ સભ્યોએ સરપંચ વિરુદ્ધ ગત 19મી જાન્યુઆરી 2023ના રોજ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જે સંદર્ભે પંચાયતના સરપંચ વર્ષાબેન પટેલ દ્વારા 15 દિવસમાં સામાન્ય સભા બોલાવવામાં નહિ આવતા. વાપી તાલુકા વિકાસ અધિકારી સરજુભાઈ જેઠવા દ્વારા તારીખ 7મી ફેબ્રુઆરી 2023 ના ગ્રામ પંચાયતના તલાટીને પત્ર લખી 13મી ફેબ્રુઆરીએ સામાન્ય સભા બોલાવી અવિશ્વાસની દરખાસ્ત સામે કાર્યવાહી કરવાની તથા મતદાન કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવા જણાવ્યું હતું.
જે મુજબ 13મી ફેબ્રુઆરીએ નામધા ગ્રામ પંચાયત કચેરી ખાતે સવારથી સરપંચ અને તેના બે સભ્યો સમર્થકો સાથે પહોંચી હંગામો મચાવ્યો હતો. ઘટના અંગે વાપી ટાઉન પોલીસને જાણ કરતા સુરક્ષા સલામતીના ભાગરૂપે 20થી વધુ પોલીસ જવાનોને ઘટના સ્થળે પહોંચ્યા હતાં. પોલીસે હોબાળો કરતા લોકોને કાબુમાં લઈ શાંતિ સ્થાપવા પ્રયાસ કર્યો હતો.
તો, સરપંચ ઉપસ્થિત હોવા છતાં સામાન્ય સભામાં હાજરી નહીં આપતા ઉપસરપંચ અનિતાબેન સતિષભાઈ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં છ સભ્ય દ્વારા સરપંચની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હતી. સભામાં સરપંચ વર્ષાબેન નિલેશભાઈ પટેલ અને સભ્ય લીલાબેન ઈશ્વરભાઈ પટેલ તથા અંજલિ બેન ઉપસ્થિત રહ્યા ન હતા. ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સરપંચ તેમના મનસ્વી કારોબાર તથા સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કામો કરતા હોય અને સભ્યોની અવગણના કરવામાં આવતા ઉપરોક્ત પગલું ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને પાંચ સભ્યોએ લીધું હોવાનું જણાવ્યું હતું.
જ્યારે પંચાયત કચેરીએ સમર્થકો સાથે ઉપસ્થિત રહેલા અને અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરતા વર્ષાબેન પેટલે હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, સરપંચ બન્યા બાદ તેણે ગામના વિકાસના દરેક કાર્ય ઈમાનદારી અને નિષ્ઠાથી કર્યા છે. ગામલોકો માટેની સેવા માટે રાત્રે પણ દરવાજા ખુલ્લા રાખ્યા છે. અવિશ્વાસની દરખાસ્ત કરનારા સભ્યો ખોટા અને પાયાવિહોણા આક્ષેપ કરી રહ્યા છે. હકીકતે ગામના પૂર્વ સરપંચ અલ્પેશ પટેલ દ્વારા મેજોરીટી ધરાવતા સભ્યોને પૈસાના અને ધકધમકીના જોરે તેમની વિરુદ્ધ ઉભા કર્યા છે. ગામલોકોમાં તેમના પ્રત્યે કોઈ જ નારાજગી નથી. ઉલ્લેખનીય છે કે આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે હાલ તો, નામધા ગામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસ દરખાસ્ત પસાર થતાં ગામના રાજકારણમાં ગરમાટો આવ્યો છે.