Wednesday, December 25News That Matters

ગુજરાત સરકાર શ્રમિકો માટે સુંદર-સ્વચ્છ આવાસ યોજના લાવવા વિચારણાધિન:- નાણાપ્રધાન કનું દેસાઈ

શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ વલસાડ જિલ્લામાં 6 સ્થળોએ 5 રૂપિયામાં ભોજન આપવાની યોજનાનો રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાણાપ્રધાને શ્રમિક અન્નપૂર્ણા યોજનાને લોકપ્રિય યોજના બનાવવાની અને ઔદ્યોગિક વિસ્તારમાં શ્રમિકો માટે સરકારી આવાસ બનાવવાનું ગુજરાત સરકાર વિચારી રહી હોવાનું જણાવ્યું હતું.

 

વાપીના ગુંજન વિસ્તાર સહિત જિલ્લાના 6 કડીયાનાકા પર 12મી ફેબ્રુઆરીથી 5 રૂપિયામાં ભોજન આપવામાં આવશે. જે અંતર્ગત વાપીમાં ગુંજનના વંદે માતરમ ચોક ખાતે ઉભી કરેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળની કેન્ટીનની રીબીન કાપી નાણાપ્રધાન કનું દેસાઈએ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કનું દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર આ શ્રમિક અન્નપૂર્ણા યોજનાને ગુજરાતની લોકપ્રિય યોજના બનાવવા માંગે છે. એ ઉપરાંત વાપી જેવા ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા શ્રમિકો, બંધકામક્ષેત્રે જોડાયેલ શ્રમિકો માટે સરકાર સુંદર આવાસ બનાવવા માંગે છે. જે આવાસમાં શુદ્ધ પીવાનું પાણી મળે, સ્વચ્છ સેનિટેશન મળે તે પ્રકારની યોજના હાલ વિચારણા હેઠળ છે.

 

 

શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળની કેન્ટીનનું ઉદ્ઘાટન કરતી વખતે નાણાપ્રધાને આ યોજના અંગે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન જ્યારે લોકોની અવરજવર પર નિયંત્રણ હતા ત્યારે આ શ્રમિક યોજનામાં અપાતું ભોજન મહામારીથી બચાવવા સાવચેતીના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યું હતું. હવે, ફરીથી સરકારે નિર્ણય કર્યો છે કે શ્રમિકો માટે પહેલા દસ રૂપિયામાં ભોજન આપવામાં આવતું હતું એને ₹5 માં આપવામાં આવે જે માટે રાજ્યના દરેક જિલ્લામાં ફરી આ કેન્ટીન શરૂ કરવામાં આવી છે.

 

 

બાંધકામ શ્રમિકોને 5 રૂપિયામાં એક ટાઇમનું એમ બે ટાઈમ ભોજન મળી રહે તે માટે એજન્સીઓ નક્કી કરી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા જુન-2017 થી શ્રમિક અન્નપુર્ણા યોજના શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત 12 જીલ્લાનાં 36 શહેરોમાં કુલ – 119 કડીયાનાકા પર ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરવામાં આવેલ હતા, કોવીડ–19ની મહામારીને ધ્યાને લેતા યોજના સ્થગિત કરવામાં આવી હતી જે ફરી શરૂ કરવામાં આવી છે.

 

 

શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ 5 માં શ્રમિક તથા તેના પરિવારને પૌષ્ટિક ભોજન આપવામાં આવશે જેમાં રોટલી, શાક, કઠોળ, દાળભાત, અથાણુ, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરાયો છે. વલસાડ જીલ્લાના 6 કડીયાનાકા પર ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરવામાં આવ્યાં છે. જ્યાંથી બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઇ નિર્માણ પોર્ટલમાં નોંધાયેલ શ્રમિકોને શ્રમિક અન્નપુર્ણા યોજનાનો લાભ આપવામાં આવશે.

 

 

શ્રમિક અન્નપુર્ણા યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઈ- નિર્માણ કાર્ડ લઇ, શ્રમિક અન્નપુર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્દ્ર પર જવાનું થાય છે. કાર્ડમાં દર્શાવેલ ઈ.નિર્માણ નંબર અથવા ક્યુ.આર. કોડ સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી શ્રમિકને રૂ 5 માં પોતાના ટીફીનમાં અથવા જમવા માટે ભોજન આપવામાં આવે છે. બાંધકામ શ્રમિકને એક ઈ નિર્માણ કાર્ડ મારફતે પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળવાપાત્ર છે.

 

 

તો, જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઈ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમીકની હંગામી નોંધણી થાય છે અને 15 દિવસ સુધી ભોજન મેળવી શકે છે. ઈ-નિર્માણ કાર્ડ ઈશ્યુ થયેથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકે છે. આ એજન્સીઓ ક્વોલિટી સાથે ગુણવત્તાવાળું જમવાનું આપે એના માટે તેમજ યોજના હેઠળ દરેક કેન્ટીન કાયમી ધોરણે ચાલુ રહે તેના પર સરકાર પૂરેપૂરુ ધ્યાન રાખશે. સરકાર આ યોજનાને ગુજરાતમાં લોકપ્રિય યોજના બનાવવા માંગે છે.

 

ગુજરાત સરકાર દ્વારા વાપી જેવા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં જ્યાં વધુ શ્રમિકો છે ત્યાં પણ ફરજિયાત રીતે કંટીન્યુ વ્યવસ્થા કરવામાં આવી છે. જેની સાથે એક નવી યોજના સરકાર વિચારી રહી છે કે જે યોજના હેઠળ આ શ્રમિકો માટે એક સુંદર આવાસ બને જેમાં સેનીટેશન સાથે શુદ્ધ પીવાનું પાણી મળી શકે. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં વાપીના વંદે માતરમ ચોક, ઝંડા ચોક, ભડકમોરા કડિયા નાકા ઉપરાંત વલસાડ શહેરમાં ડૉ.મોઘાભાઇ હોલની સામે, ધરામપુરમાં હાથીખાના કડીયાનાકા પર, પારડીમાં બસ સ્ટેશન પાસે એમ 6 સ્થળોએ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 5 રૂપિયામાં ભોજન આપવાના કેન્દ્ર શરૂ કરવામાં આવ્યાં છે. આજના ઉદઘાટન પ્રસંગે વાપીના ઉદ્યોગપતિઓ, ભાજપના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *