વર્ષ 2017-18ના રૂપાણી સરકારના બજેટમાં શ્રમિકોને 5 રૂપિયામાં ભોજન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ શરૂ થયેલ આ યોજના હેઠળ વાપીના ઝંડા ચોક ખાતે પણ 5 રૂપિયામાં ભોજન આપતી કેન્ટીન શરૂ કરવામાં આવી હતી. જો કે અન્ય સ્થળોએ આ પ્રકારની કેન્ટીન કોરોના કાળમાં બંધ થઈ હતી. જ્યારે વાપીમાં તે શરૂ થયાને માત્ર 2-3 મહિનામાં જ બંધ થઈ ગઈ હતી. જે હજુ સુધી બંધ જ છે. હવે તો અન્નપૂર્ણા યોજના હેઠળ ફાળવેલ કેન્ટીન સડી ગઈ છે.
ત્યારે ફરી એકવાર ભુપેન્દ્ર પટેલની સરકારમાં બજેટ પહેલા આ યોજનાને ફરી શરૂ કરવામાં આવી છે. જેના ભાગ રૂપે વાપીમાં પણ હવે વાપીના ઝંડા ચોકને બદલે ગુંજન વિસ્તારમાં નાણાપ્રધાન કનું દેસાઈના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. નાણાપ્રધાન રવિવારે 12 ફેબ્રુઆરી 2023ના આ યોજના હેઠળની કેન્ટીન નો વિધિવત શુભારંભ કરશે.
તારીખ 12 ફેબ્રુઆરી 2023 ના રોજ વંદે માતરમ ચોક, ગુંજન-વાપી ખાતે કેબિનેટ મંત્રી અને નાણાં-ઉર્જા-પેટ્રોકેમિકલ્સ વિભાગનો હવાલો સાંભળતા પારડીના ધારાસભ્ય કનુ દેસાઈના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરવામાં આવશે. વાપી ખાતે પ્રથમ વખત કોરોના કાળ પહેલા રૂપાણી સરકારમાં આવી કેન્ટીનનો વાપીના ઝંડા ચોક ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ રૂપિયામાં શ્રમિકોને સાત્વિક ભોજન પૂરું પાડવાનો લક્ષ્યાંક રાખી આ યોજના શરૂ કરવામાં આવી હતી. પરંતુ તે ગણતરીના મહિનાઓમાં જ બંધ થઈ જતા હાલમાં કેન્ટીન સડી રહી છે. જે બાદ હવે ફરી 5 રૂપિયામાં ભોજન આપતી આ યોજના શરૂ થઈ રહી છે.
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારે હાલમાં રૂપાણી સરકારમાં શરૂ થયેલી અને બંધ પડેલી શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરુઆત કરી છે. ગુજરાતમાં બંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે કાર્યરત શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સેવાઓનું વિસ્તરણ કરીને 29 ડિસેમ્બર 2022 થી રાજ્યમાં વધુ નવા 28 જેટલા કડિયાનાકા પર આ સુવિધાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત વાપીના ઝંડા ચોકના કડીયાનાકા બાદ હવે ગુંજન વિસ્તારના વંદે માતરમ ચોક ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરુઆત થઇ રહી છે.
શ્રમિક અન્નપુર્ણા યોજના અંગે સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગના ઠરાવ ક્રમાંક : C.W.A/132016/720721/મ (3) તા.4/5/2017 થી શ્રમિક અન્નપુર્ણા ઉઓજનાની વહીવટી મંજુરી આપવામાં આવેલ છે. બજેટમાં થયેલ જોગવાઈ અનુસાર અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, વલસાડ, ભરૂચ, મહેસાણા, ભુજ-કચ્છના કુલ 50 હજાર બાંધકામ શ્રમિકોને આ યોજના હેઠળ આવરી લેવાનું આયોજન કરેલ. સને 2017-18ના અંદાજપત્રમાં બાંધકામ શ્રમિકો માટેની શ્રમિક અન્નપૂર્ણા યોજના 50 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
પ્રથમ તબ્બકે તા .14/06/2017થી અમદાવાદ, કલોલ – ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગરના અને ધરમપુર, વાપી વલસાડ, ભરૂચ અંકલેશ્વર કુલ 87 કડીયાનાકા પર આ યોજનાઓ પ્રાયોગિક ધોરણે અમલ કરવામાં આવેલ હતો. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના વરદહસ્તે આ યોજનાનો વિધિવત શુભારંભ તા.18/7/2017 ના રોજ કરવામાં આવેલ હતો.
જો કે વાપીમાં આ યોજના હેઠળ શરૂ થયેલ કેન્ટીન તે બાદ ગણતરીના મહિનાઓમાં બંધ થઈ ગઈ હતી. જે હજુ સુધી શરૂ થઈ નથી. પરંતુ જ્યારે કોઈ રાજકીય નેતા વાપીની મુલાકાતે આવતા ત્યારે બંધ થયા બાદ સડતી કેન્ટીનને રંગરોગાન કરવામાં આવતું હતું. જે બાદ ફરી એજ હાલતમાં પડી રહેતી હતી. ત્યારે, ભુપેન્દ્ર પટેલની સરકારમાં વાપીના ગુંજન ખાતે નાણાપ્રધાન કનું દેસાઈના હસ્તે શુભારંભ થનાર કેન્ટીન કેટલા દિવસ સુધી શ્રમિકોને 5-10 રૂપિયામાં ભોજન આપશે તે એક સવાલ છે. સાથે સાથે આશા રાખીએ કે ઝંડા ચોક ખાતે બંધ કેન્ટીન પણ કનુભાઈ દેસાઈ શરૂ કરાવે અને અવિરત શરૂ રહે તે માટે પ્રયાસો કરશે તો જ આ યોજના તેના નામ મુજબ શ્રમિકની અને તેના પરિવારના અન્નની ભૂખ પુરી કરી આંતરડી ઠારશે.