વલસાડ જિલ્લાની મહત્વની અને સમગ્ર ગુજરાતમાં A વર્ગની નગરપાલિકામાં વાપી નગરપાલિકાનો સમાવેશ થાય છે. ભૂતકાળમાં સ્વચ્છતાનો એવોર્ડ મેળવનારી નગરપાલિકા છે. પાણીની ઉત્તમ વ્યવસ્થા માટે એવોર્ડ મેળવી ચુકી છે. જો કે વાપી નગરપાલિકાની આંખે ઉડીને વળગે એવી આ સિદ્ધિઓ પર હાલના સત્તાધીશો બટ્ટો લગાવી રહ્યા છે. તેમ છતાં વાપીને દુબઈ સીટી જેવું બનાવવાના બણગાં ફૂંકી સત્તાધીશો પોતે જ અધિકારીઓ-કર્મચારીઓ-કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા હોવાની પ્રતીતિ પણ આંખે ઉડીને વળગી રહી છે.
હાલમાં જ સ્વચ્છતા સર્વેક્ષણમાં વાપી નગરપાલિકા છેલ્લે પાટલે હોય તેવો રિપોર્ટ આવ્યો છે. ભૂતકાળના સત્તાધીશોની સરખામણીએ વર્તમાન સત્તાધીશો વાપીને વિકાસના પંથે લઈ જવાને બદલે ગંદા-ગોબરા શહેરની ઉપાધિ અપાવવા મેદાને પડ્યા છે. પાલિકા વિસ્તારમાં પાલિકાની સામે જ પાણીની લાઇન કે અન્ય કોઈ લાઇન તૂટી ગઈ છે અથવા તો લીકેજ થઈ છે. તેનું પાણી રસ્તા પર વહી રહ્યું છે. આવી જ રીતે શહેરના અન્ય વિસ્તારોમાં પણ રોડ પર પાણીના ખાબોચિયા જોવા મળી રહ્યા છે. જે નવા નક્કોર ડામર રોડને બિસ્માર રોડ બનાવી રહ્યા છે. વાહનચાલકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. પરંતુ પાલિકાની સામે કે અન્ય વિસ્તારની આ બેદરકારી પાલિકાના સત્તાધીશો ને દેખાતી નથી.
એક તરફ વાપી સિટીને દુબઈ જેવું સીટી બનાવવા પાલિકાની તિજોરીમાં ગાબડું પાડીને કે કોન્ટ્રાક્ટરો ના પૈસે અધિકારીઓ-કર્મચારીઓને દુબઈ પ્રવાસે મોકલી લીલાલહેર કરાવે છે. વળી પાછા આ પ્રવાસ કરાવવાનું કારણ વાપી ને દુબઈ સીટી જેવું બનાવવા નિરીક્ષણ માટે મોકલ્યા હોવાનું પ્રમુખશ્રી સામાન્ય સભામાં સૌને જણાવી વાહવાહી લૂંટે છે. જો કે વાપી નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતાના નામે જ ચાલતી લાલીયાવાડી જોઈ જનતા મૂંઝવણમાં છે કે આમાં વાપી દુબઇ સીટી જેવું કંઈ રીતે બનશે?