વાપી નગરપાલિકાના સુલપડ ગામમાં વોર્ડ નંબર 10 માં છેલ્લા 10 થી 15 દિવસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિકો ભારે મુશ્કેલી વેઠી રહી છે. વોર્ડ નંબર 10 ના સભ્ય મંગેશ પટેલ દ્વારા પોતાના વિસ્તારમાં સ્થાનિકોને સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવી મુશ્કેલીમાં રાહત આપી રહ્યા છે.
વાપી નગરપાલિકામાં પાણી વિતરણની અત્યાધુનિક ટેક્નિક ધરાવતી એપ બનાવી પાલિકાએ એવોર્ડ મેળવ્યા છે. આ એપને દિલ્હીમાં લાગુ કરવા સરકારે પણ વલસાડ જિલ્લાના કલેકટર અને એપ બનાવનાર પાલિકાના કર્મચારીને અભિનંદન પાઠવ્યા છે. જો કે પાણીની યોગ્ય વ્યવસ્થા માટે એપ બનાવી એવોર્ડ મેળવનારી નગરપાલિકાના જ વોર્ડમાં છેલ્લા 10 દિવસથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પડી છે. આ અંગે મળતી વિગતો મુજબ પાલિકાના વોર્ડ નંબર 10 માં છેલ્લા 15 દિવસથી પાણીનો પોકાર ઉઠ્યો છે. જેને નિવારવા સ્થાનિક નગરસેવકે સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવી લોકોને પાણીની સુવિધા આપી રહ્યા છે.
લોકોને પાણીની મુશ્કેલીમાંથી રાહત આપવા નગરસેવક મંગેશ પટેલ રાત્રે પણ પાણીના ટેન્કરો બોલાવી ઘરેઘરે જરૂરિયાત મુજબનું પાણી આપી રહ્યા છે. આ વિસ્તારમાં પોતે જાતે ઊભા રહી લોકોને ટેન્કરોમાંથી પાણી આપી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકો પણ માને છે કે વોર્ડના સભ્ય મંગેશ પટેલ આ વિસ્તારનું ખૂબ જ બારીકાઈથી ધ્યાન રાખે છે.
કોઈપણ મુશ્કેલીમાં 24 કલાક અમારી જોડે ઊભા રહે છે. આ પાણીની સમસ્યાથી સ્થાનિકો ખૂબ જ પરેશાન છે તો એની સામે મંગેશ પટેલ પોતાના ખર્ચે પાણીના ટેન્કરો મંગાવી લોકોને પૂરતું પાણી પૂરું પાડી રહ્યા છે. જ્યારે પાણી વિતરણની અનોખી વ્યવસ્થાની એપ બનાવનાર કર્મચારી, પાલિકાના સત્તાધીશો માત્ર સુવિધાના નામે બણગાં ફૂંકી રહ્યા છે.