વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામપંચાયત દ્વારા બજાર વિસ્તાર અને ગંગાદેવી રોડ સેન્ટ્રલ શાળા પાસે બનાવેલ કુલ 120 જેટલી દુકાનો ગેરકાયદેસર હોવાના આક્ષેપ ઉઠતા ચકચાર મચી ગઇ છે. દુકાન લેનારા ગ્રાહકોએ તેમના પૈસા પરત મળે તે માટે વલસાડ જિલ્લાના DDO ને મળી રજુઆત કરી છે. પંચાયતે અંદાજિત 6.5 કરોડનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો અરજદારોએ કર્યા છે.
સોળસુંબા ગામમાં પંચાયત દ્વારા ગૌચરની જમીન પર 2 સ્થળોએ અંદાજિત 120 જેટલી દુકાનો બનાવી તેની હરાજી કરી હતી. વર્ષ 2018માં તત્કાલીન પંચાયત સરપંચ અમિત પટેલે આ દુકાનો બનાવી હતી. જેની કિંમત પેટે ગ્રાહકોએ ચેકથી રકમ આપી હતી. હાલમાં 6 વર્ષે પણ દુકાનોનો કબજો ગ્રાહકોને મળ્યો નથી. જ્યારે નિર્માણ કરવામાં આવેલ દુકાનો ગેરકાયદેસર હોવાનું ધ્યાને આવ્યું છે.
આ મામલે ગ્રાહક વેપારી પ્રેમ વ્યાસ અને મોહન અગરવાલ તેમજ વ્યવસાયે બિલ્ડર, સમાજ સેવક, કાયદાના જાણકાર, રાષ્ટ્રીય માનવ અધિકાર અને સામાજિક ન્યાય આયોગના માજી પ્રમુખ મુનીર ખોજાએ ભેગા મળી જિલ્લા વિકાસ અધિકારી મનીશ ગુરવાની ને રૂબરૂ મળી ફરિયાદ આપી છે. ફરિયાદમાં પંચાયતે ગેરકાયદેસર દુકાનો બનાવી તેનું અલગ એકાઉન્ટ બનાવી અંદાજિત 6.5 કરોડનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ કર્યા છે. તેમજ આ દુકાન ખરીદનાર તમામ ગ્રાહક વેપારી સ્થાનિકોને ન્યાય મળે તે માટે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર વિરુદ્ધ કાયદેસરના પગલાં લઇ તમામના નાણાં પરત અપાવવામાં આવે તેવી રજુઆત કરી છે.
દુકાન ખરીદનારા ગ્રાહકોના આક્ષેપ છે કે, ગ્રામપંચાયત દ્વારા જાણી જોઈને લોકોના કાયદેસરના કામો માં પણ વિલમ્બ કરાઈ રહ્યો છે. આ દુકાનો ખરીદવા દરેક વેપારીએ 3 થી 6 લાખની બેન્ક લોન લીધી છે. જેના 6 વર્ષથી હપ્તા ભરે છે. પરંતુ દુકાનોનો કબજો મળ્યો નથી. મળશે તો પણ જ્યારે આ દુકાનો જ ગેરકાયદેસર છે તેવું સરકારના ધ્યાને આવશે ત્યારે દુકાનો તોડી પાડવામાં આવશે. ગૌચરની જમીનમાં જે તે વખત ના તત્કાલીન સરપંચ અમિત પટેલ અને પંચાયતના અન્ય સભ્યો-તલાટી એ મળીને મસમોટું કૌભાંડ આચરી નાખ્યું છે. ગ્રાહકોએ ભરેલી તમામ રકમ તેમને પરત મળે તેવી માંગ કરી છે.
ગ્રાહકોએ ગ્રામપંચાયતના વર્તમાન સરપંચથી માંડીને જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત સરકારમાં આ અંગે રજુઆત કરી છે. હાલમાં તો, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ અરજદારોની રજૂઆતને ધ્યાનથી સાંભળી યોગ્ય ન્યાય અપાવવાની ખાતરી આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોળ સુંબા ગ્રામપંચાયતમાં વર્ષ 2018માં સરપંચ રહી ચૂકેલા અમિત પટેલના શાસનમાં અનેક ગેરરીતીઓના આક્ષેપો થતા રહ્યા હતાં. જે બાદ 2022માં યોજાયેલ ગ્રામપંચાયતની ચૂંટણીમાં પણ તે વિજેતા બનતા ઉપસરપંચનો હોદ્દો ધરાવતા હતા. જે દરમ્યાન 10 લાખની લાંચ માંગવાના પ્રકરણમાં ACB ના હાથે દબોચાઈ જતા હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા છે. બીજી તરફ દુકાનો ખરીદનારા ગ્રાહકોને દુકાનના પૈસા પરત ચૂકવવા હાલના સરપંચ કે પંચાયત મગનું નામ મરી પાડતું નથી.