વાપીમાં રવિવારે રોફેલ કોલેજ ખાતે રોટરી ક્લબ ઓફ વાપી અને રોટરી ક્લબ ઓફ સુરત તાપી દ્વારા A Step Towards New Life (એક ડગલું નવા જીવન તરફ) ની થીમ પર કૃત્રિમ પગ ફિટ કરી આપવાનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો અકસ્માતે પગ ગુમાવનાર 121 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં નાના બાળકથી માંડીને મોટી ઉંમરના સ્ત્રી-પુરુષોએ આધુનિક કૃત્રિમ પગ મેળવી ખુશખુશાલ ચહેરે ડગ ભર્યા હતાં.
આ અંગે રોટરી ક્લબ ઓફ વાપીના પ્રેસિડેન્ટ હેમાંગ નાયકે જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા આ છઠ્ઠો આર્ટિફિશિયલ પગ આપવાનો પ્રોજેક્ટ છે. આ વખતે તેઓની સાથે રોટરી ક્લબ ઓફ સુરત તાપી પણ જોડાયું છે. અહીં ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને અન્ય રાજ્યમાંથી અંદાજિત 121 લાભાર્થીઓ આવ્યા છે. આ કેમ્પમાં સંસ્થા દ્વારા અપંગ વ્યક્તિઓને સારામાં સારી ક્વોલિટીનો આર્ટિફિશિયલ પગ ફિટ કરી આપવામાં આવે છે. આ કૃતિમ પગની મદદથી લાભાર્થીઓ સારી રીતે ચાલી શકે છે. દોડી શકે છે.
આ કેમ્પ 4 દિવસ માટે યોજવામાં આવે છે. જેમાં પ્રથમ દિવસે રજીસ્ટર કર્યા બાદ તમામ લાભાર્થીઓના પગનું માપ લઈ અંતિમ દિવસે પગનું ફિટિંગ કરી આપવામાં આવે છે. જેમાં ઘુંટણથી નીચે નો અને ઘૂંટણથી ઉપર સુધી કપાયેલા લાભાર્થીઓને આ કૃત્રિમ પગ ફિટ કરી આપવામાં આવે છે.
તો રોટરી ક્લબ ઓફ સુરત તાપીના પ્રેસિડન્ટ નિમેષ શાહે જણાવ્યું હતું કે, આ પગ ખુબજ સારી ક્વોલિટીના અને આધુનિક તકનીકથી બનાવવામાં આવે છે. જે 10 વર્ષ સુધી ખરાબ થતા નથી. તે વિશેષ કેમિકલથી બનાવવામાં આવ્યો હોય તેના પહેર્યા પછી અનેક લાભાલાભ છે. ઇન્ફેક્શન કે સ્કિન ડિઝીસ થતા નથી. હાઇટ એડજસ્ટ પણ કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, આ કેમ્પનો લાભ લેવા થરાદથી આવેલા કાંતિભાઈએ કૃત્રિમ પગ મેળવી ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પગ ખૂબ જ સરસ છે. જે પહેર્યા બાદ કૂદી શકું છું દોડી શકું છું. નવ વર્ષ પહેલાં અકસ્માતમાં પગ કપાયા બાદ તે વખતે જે તકલીફો પડતી હતી તે આ પગમાં થતી નથી. તો સોનગઢથી આવેલ ચૌધરી કોકિલાબેન રતીલાલનો પણ વર્ષ 2016માં એકસ્માત થયા બાદ કૃત્રિમ પગ બનાવેલ જેનાથી તકલીફો થતી હતી. આ સારી ક્વોલિટીનો પગ છે જેનાથી ચાલવામાં કોઈ તકલીફ પડતી નથી.
આ પ્રોજેક્ટ દાતાઓના સહકારથી યોજવામાં આવે છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે વાપીની યમુના મશીન વર્કસ અને સુરતની એથર ઈન્ડસ્ટ્રીઝ મુખ્ય સ્પોન્સર કંપની છે. કેમ્પમાં આવનાર તમામ લાભાર્થીઓને રોટરી ક્લબના સભ્યો, રોટરી ઇન્ટરેક્ટના સભ્યો, એન.એસ. એસના વોલિન્ટેર એનસીસી કોલેજના વિદ્યાર્થીઓ તમામ લોકોએ સેવા પૂરી પાડી હતી.